કરજણ તાલુકાના પવિત્ર નર્મદા નદી કિનારે નારેશ્વર ધામ ખાતે શ્રી દત્ત અવતારી શ્રી રંગ અવધૂત મહારાજની 129મી જયંતી નિમિત્તે ભક્તિ, શ્રદ્ધા અને ગુરુભક્તિનો અલૌકિક માહોલ જોવા મળ્યો હતો. પાવન અવસરે પ.પૂ. શ્રીરંગ અવધૂત બાપજીના દર્શનાર્થે વહેલી સવારથી ગુજરાતી સહિત દેશ વિદેશોમાંથી ભક્તોનો મહેરામણ ઊમટયો હતો. દિવસભર ભક્તોની ભારે અવરજવરથી સમગ્ર પરિસર દત્તના જયઘોષથી ગુંજી ઉઠયું હતું.

શ્રી રંગ અવધૂત મહારાજની જયંતી નિમિત્તે નારેશ્વર ધામ ખાતે વિવિધ ધાર્મિક, આધ્યાત્મિક અને સેવાકીય કાર્યક્રમ યોજાયા હતા. સવારે મંગળા આરતીથી જ બાપજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઊમટયાં હતા. ધાર્મિક કાર્યક્રમો સાથે સેવાકીય પ્રવૃત્તિને પણ વિશેષ પ્રાધાન્ય અપાયું હતું. ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે 2200 કિલો અન્નનું દાન કરાયું હતું. 42 ગાયો સહિત 45 પાદુકાનું પૂજન પણ શ્રદ્ધાભેર કરાયું હતું. ભક્તોએ પૂજનવિધિમાં ભાગ લઈ ગુરુચરણ પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. નારેશ્વર ધામના ટ્રસ્ટીઓ તરફ્થી જયંતી પર્વમાં પધારેલ તમામ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરાઇ હતી. દૂરદૂરથી આવેલા ભક્તોએ મહાપ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. દત્ત બાવનીના પાઠ અને નામ સંકીર્તનથી ગુંજી ઉઠયું નારેશ્વર દિવસભર નારેશ્વર ધામમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં ભક્તો બાપજીના સ્મરણ સાથે ભજન-કીર્તનમાં લીન બન્યા હતા.