કરજણ નવાબજાર વિસ્તારમાં ગેસ એજન્સી આવેલ છે. જે નગર સહિત 99 ગામોમાં ગેસ સિલિન્ડરના ગ્રાહકો છે. ઘર વપરાશના ગેસ બોટલ માટે KYC અપડેટ વગર બોટલ બુક થતો ના હોવાથી ગ્રાહકો પોતાનું KYC કરાવવા માટે ગામડામાંથી પોતાના કામકાજ છોડી ભાડાનો ખર્ચ કરી આવે છે. ત્યાંરે ગેસ ઓફ્સિના દરવાજા બંધ હોય છે. જેને લઈ ગ્રાહકોને ધરમધક્કા ખાવાનો વારો આવે છે.

કરજણ નવાબજાર ગેસ એજન્સી ખાતે આજે 15થી 20 જેટલા ગ્રાહકો KYC કરાવવા આવ્યાં હતા. ત્યારે ઓફિસ બંધ જોઈ કલાકની રાહ બાદ પાછળના દરવાજે ગયા તો ગ્રાહકો સાથે તોછડું વર્તન કરાયું હોવાનું ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે. આખરે કલાક બાદ ગ્રાહકોએ 100 નંબર ઉપર કોલ કર્યો ત્યારે અડધો કલાક બાદ 112ની ટીમ ત્યાં આવી હતી. ગ્રાહકોને પડતી મુશ્કેલી બાબતે કરજણ પુરવઠા મામલતદારને ટેલિફોનિક વાત કરતા તેઓએ તપાસ કરાવીશું તેમ જણાવ્યું હતું. નગર અને 99 ગામોની વચ્ચે હાલમાં એક જ ગેસ એજન્સી છે. જેને લઈ અવારનવાર આવી સમસ્યાનો સામનો નાગરિકોને કરવાનો વારો આવે છે. ગેસ એજન્સીના મનસ્વી વહીવટ સામે ગ્રાહકોમાં રોષ જોવા મળે છે. ગેસ ઓફિસ બહાર કામનો સમય 8થી 8નો દર્શાવાયો છે. ત્યારે ઓફિસ બંધ રહેતા લોકો ધરમધક્કા ખાઇ રહ્યા છે. વહેલી તકે તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે એવી લોકમાંગ ઉઠી છે.