કરજણ તાલુકાના ને.હા.48 પર કરજણ નજીક જીંદાલ કંપની પાસે પેટ્રોલ પંપ પર ગુરુવારે ગેસ ભરાવતી વખતે એક કારમાં અચાનક બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર, ને.હા.48 પર કરજણ નજીક જીંદાલ કંપની પાસે પેટ્રોલ પંપ પર આજે CNGકાર ગેસ ભરાવવા માટે ઉભી હતી. કારમાં ગેસ પુરાવવાની કામગીરી ચાલતી હતી. ત્યારે કોઈપણ કારણોસર અચાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, પાસે ઉભેલી અન્ય બે કારને પણ નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનાને પગલે પેટ્રોલ પંપ પર હાજર લોકોમાં અફરા તફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. એક સમય માટે પેટ્રોલ પંપ પર હાજર બધા સ્તબ્ધ થઈ ગયા હતી. જોકે સદ્નસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અને મોટી દુર્ઘટના ટળી હતી. જેની જાણ થતાં કરજણ ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ફાયર વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરાઇ હતી. જો કે CNG ભરાવતી વખતે કારમાં કયા કારણોસર બ્લાસ્ટ થયો છે તેનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.