આવતીકાલે ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલની અત્યંત મહત્વની પરીક્ષા યોજાવા જઈ રહી છે. ત્યારે કવાંટ તાલુકામાંથી સુરત સેન્ટર પર પરીક્ષા આપવા જવા નીકળેલા સેંકડો વિદ્યાર્થી એસ.ટી. નિગમની ઘોર બેદરકારીને કારણે કવાંટ બસ ડેપો ખાતે અટવાયા હતા. મહિનાઓની મહેનત પછી ભવિષ્ય ઘડવાની આશા સાથે નીકળેલા વિદ્યાર્થીઓ તંત્રની ઉદાસીનતાને કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે.


પરીક્ષા આપવા જઈ રહેલા જાગૃત પરીક્ષાર્થી ઈકુડિયા રાઠવા અને અન્ય વિદ્યાર્થીઓએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અમે સવારના ૧૧ વાગ્યાની કવાંટ-સુરત-નવસારી રૂટની બસમાં અગાઉથી ઓનલાઈન કર્ન્ફ્મ રિઝર્વેશન કરાવ્યું હતું. છતાં બપોરે ૨ વાગ્યા સુધી ૩ કલાકથી વધુ સમય વીતવા છતાં એસ ટી બસ ડેપો પર આવી જ નથી. જ્યારે અમે આ બાબતે કવાંટ ડેપો મેનેજરને પૂછયું, ત્યારે તેઓ કોઈ નક્કર કે સંતોષકારક જવાબ આપવાને બદલે માત્ર ગલ્લાંતલ્લાં કરી રહ્યા છે. અને બસ હમણાં આવશે, થોડી વારમાં આવી જશે તેવા ખોટા આશ્વાસનો આપી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યાં છે. પરીક્ષાર્થીઓએ પોતાની વ્યથા ઠાલવતા વધુમાં જણાવ્યું હતું કે, તેઓ સવારના ભૂખ્યા-તરસ્યા બસ ડેપોમાં બેસી રહ્યા છે. સુરત જેવા મોટા શહેરમાં તેમનું કોઈ સગા-સંબંધી નથી. જેના કારણે તેમને રાત્રે સુરત બસ ડેપોમાં જ રાતવાસો કરવો પડે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. જો એસ.ટી. નિગમ સમયસર બસ નહીં મોકલે તો અમે સુરત ક્યારે પહોંચીશું ? કાલે સવારે પરીક્ષા છે. તો અમે છેલ્લી ઘડીની તૈયારી ક્યારે કરીશું ? અને પરીક્ષા આપવા કેવી માનસિક સ્થિતિમાં બેસીશું ? આ ચિંતામાં અમે માનસિક રીતે ભાંગી પડયા છીએ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: