કેશોદના રઘુવંશી સમાજની સર્વોચ્ચ સંસ્થા કેશોદ લોહાણા મહાજન ટ્રસ્ટ મંડળની આગામી ચૂંટણી માટે 26 જુલાઈના એકતા પેનલના તમામ 11 ઉમેદવારોએ ઉત્સાહભેર ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા. નવા બંધારણ મુજબ આ ચૂંટણી 16 ઓગસ્ટ રવિવારના યોજાનાર છે.
એકતા પેનલ'ના તમામ સભ્યોએ જલારામ બાપા મંદિર ખાતે દર્શન કરીને બાપાના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત રઘુવંશી પરિવારજનો સાથે બેન્ડ-વાજાના સુરીલા સૂર સાથે ભવ્ય સરઘસ કાઢવામાં આવ્યું હતું. સમાજહિત અને સેવાના સંકલ્પ સાથે કાઢવામાં આવેલા આ સરઘસમાં મહિલાઓ, યુવાનો અને વડીલોએ મોટી સંખ્યામાં ભાગ લઈને એકતા પેનલને સમર્થન આપ્યું હતું. ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે પેનલના તમામ 11 ઉમેદવારોએ ચૂંટણી પંચ સમક્ષ તેમના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા. 'એકતા પેનલ'નો મુખ્ય ઉદ્દેશ્ય કેશોદના તમામ રઘુવંશી પરિવારોને એક મંચ પર લાવી સમાજમાં એકતા, ભાઈચારો, વિકાસ અને સર્વાંગી પ્રગતિના કાર્યોને વેગ આપવાનો છે. પેનલમાં સમાજના અનુભવી વડીલોના માર્ગદર્શન અને યુવા વર્ગની ઉર્જા બંનેનું સંતુલન રાખવામાં આવ્યું છે. જ્ઞાતિના વિકાસ માટે સમર્પિત 11 સભ્યોની આ ટીમ સમાજને વધુ સંગઠિત અને પ્રગતિશીલ બનાવવા માટે કટિબદ્ધ છે.'એકતા પેનલ'નું નેતૃત્વ શાંતિભાઈ પોપટ કરી રહ્યા છે.
