કેશોદ પંથકમાં આજની વહેલી સવાર ચાર મિત્રો માટે કાળ બનીને આવી હતી. ચર ગામથી બાલાગામ તરફ્ જતા રોડ ઉપર ખમીદાણા ધાર પાસે વહેલી સવારે ચારથી સાડા ચાર વાગ્યાના સુમારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જૂનાગઢથી બે યુવતી સહીત ચાર મિત્રો માધવપુર ખાતે જન્મદિવસની ઉજવણી માટે જઈ રહ્યા હતા ત્યારે કેશોદ નજીક ખમીદાણા ધાર પાસે કાર રોડ ઉપરના પથ્થર સાથે ધડાકાભેર અથડાતા જ તેમાં ભયંકર આગ ભભૂકી ઉઠી હતી. આ ગોઝારી દુર્ઘટનામાં કારમાં સવાર એક યુવતી સહિત ત્રણ યુવાનો આગની જ્વાળાઓમાં લપેટાઈ જતાં ઘટનાસ્થળે જ જીવતા ભડથું થઈ ગયા હતા, જ્યારે એક યુવતીનો ચમત્કારિક બચાવ થયો હતો. જૂનાગઢના ચાર મિત્રો ડેનિશ ધીરુભાઈ દીવરાણીયા, ઝલકભાઈ સંજયભાઈ મશરૂ, નંદનીબેન હિરેનભાઈ પોપટ અને ક્રિશ્નાબેન રમેશભાઈ ચુડાસમા કાર લઈને જૂનાગઢથી માધવપુર જવા નીકળ્યા હતા. કાર ડેનિશ દીવરાણીયા ચલાવી રહ્યો હતો. દરમિયાન ચર ગામથી બાલાગામ રોડ પર ખમીદાણા ધાર પાસે પહોંચતા જ કાર રોડ પર રહેલા પથ્થર સાથે જોરદાર રીતે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર હવામાં ફ્ંગોળાઈ ગઈ હતી અને પળવારમાં જ કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી.
અકસ્મત સમયે કારમાં આગળની સીટ પર બેઠેલી યુવતી ક્રિશ્નાબેન ચુડાસમા (ઉ.વ. 24, રહે. રાજીવનગર, જૂનાગઢ) કારની બહાર ફેંકાઈ ગઈ હતી અને તેનો આબાદ બચાવ થયો હતો. જોકે, કારની અંદર ફ્સાઈ ગયેલા કારચાલક ડેનિશ દીવરાણીયા (ઉ.વ. 23, રહે. જૂનાગઢ), ઝલકભાઈ મશરૂ ઉ.વ. 23, રહે. જલારામ સોસાયટી, તળાવ પાસે, જૂનાગઢ) અને નંદનીબેન પોપટ (ઉ.વ. 24, રહે. રોયલપાર્ક, તળાવ પાસે, જૂનાગઢ) બહાર નીકળી શક્યા નહોતા અને ભીષણ આગની લપેટમાં આવી જતાં ત્રણેયના કરુણ મોત નિપજ્યા હતા.વહેલી સવારે ધડાકાનો અવાજ અને આગની જ્વાળાઓ જોઈને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 112, 108 એમ્બ્યુલન્સ તેમજ કેશોદ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. કેશોદ ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ ત્રણેય મૃતદેહો તેમજ ઈજાગ્રસ્ત યુવતીને કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
