કેશોદ તાલુકાના અખોદર ગ્રામ પંચાયતના સરપંચ ગોવિંદભાઈ પીઠીયા સામે સત્તાના દુરુપયોગના ગંભીર આક્ષેપો સાથે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડયાએ સરપંચને ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ-57(1) હેઠળ પદ પરથી ગેરલાયક ઠરાવવાની માંગ કરી છે.

અરજીમાં જણાવ્યા મુજબ, ચોમાસામાં ઘેડ વિસ્તારમાં પૂરની સ્થિતિ સમયે ઇમરજન્સી બચાવ કામગીરી માટે સરકાર દ્વારા અખોદર પંચાયતને ફાઈબર બોટ અને ડીઝલ મશીન ફાળવવામાં આવ્યા હતા. આ બોટનો ઉપયોગ માત્ર સ્થાનિક વિસ્તાર પૂરતો જ કરવાનો હતો. પરંતુ ગત વર્ષે કેશોદ શહેરમાં અન્ડરબ્રિજમાં પાણી ભરાતા રાજકીય આગેવાનોએ આ બોટમાં બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના પગલે પોલીસે બોટ કબ્જે કરી હતી જે આજે પણ પોલીસ સ્ટેશનમાં જ છે.

અરજદારનો આક્ષેપ છે કે સરપંચે પોતાના કાર્યક્ષેત્ર બહાર બોટ વાપરવા આપીને સત્તાનો દુરુપયોગ કર્યો છે. આ અંગે સરપંચે પોતે જ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં પણ સ્વીકાર્યું છે. હવે જો ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાય તો બચાવ કામગીરી થઈ શકે તેમ નથી, જેના માટે સંપૂર્ણપણે સરપંચ જવાબદાર છે. આથી સરકારી સંપત્તિનો દુરુપયોગ કરવા બદલ સરપંચ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો