દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયામાં નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર આજે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગવાના કારણે કચરાના ઢગલામાંથી ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા, જેના લીધે આસપાસના વિસ્તારમાં વાયુ પ્રદૂષણ ફેલાયું હતું. સ્થાનિકોની ફરિયાદ મુજબ, પાલિકાની આ ડમ્પિંગ સાઇટ પર અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બને છે.

ફાયરે આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા

વારંવારની આ ઘટનાઓથી આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ભારે પરેશાની અનુભવી રહ્યા છે. સ્થાનિકોનું માનવું છે કે પાલિકા તંત્રની ઘોર બેદરકારીના કારણે આવી સ્થિતિ સર્જાઈ છે, અને તંત્ર હજુ પણ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.