ત્રણ દીકરીઓ ગુમાવનાર પરિવારને સરકારી આર્થિક સહાય

ખંભાત તાલુકાના શકરપુર ગામે ખડઉ સીમ વિસ્તારમાં આવેલી તલાવડીમાં ગત 30મી ઓગસ્ટના રોજ સર્જાયેલી હૃદયદ્રાવક દુર્ઘટનામાં એક જ પરિવારની ત્રણ માસૂમ દીકરીઓનાં પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યાં હતાં. એકસાથે ત્રણ વ્હાલસોયી દીકરીઓ ગુમાવનાર પરિવાર પર જાણે આભ તૂટી પડયું હતું. આ કરુણાંતિકાને પગલે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે મૃતક દીકરીઓના પરિવારને સરકારી સહાય મળી રહે તે માટે ત્વરિત સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. જેના પરિણામે આજે મૃતક ત્રણેય દીકરીઓના પરિવારજનોને પ્રત્યેક રૂ. 4 લાખ લેખે કુલ રૂ. 12 લાખની સરકારી સહાયના ત્રણ ચેક ધારાસભ્ય ચિરાગ પટેલના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.