રમત ગમતની કોઈ સીમા હોતી નથી અને પ્રતિભા હોય તો ખેલાડી દેશ-વિદેશમાં પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે છે. ખંભાત તાલુકાના જલુધ ગામના વતની અને હાલ લંડનમાં સ્થાયી થયેલા કબડ્ડી ખેલાડી સંજય ઠાકોરે આ વાતને સાકાર કરી બતાવી છે. ઇંગ્લેન્ડ ખાતે યોજાયેલી ઇંગ્લેન્ડ નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં લુટોન બંગાલ ટાઈગર ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરી ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો છે. આ વિજયમાં સંજય ઠાકોરે ટીમના વાઈસ કેપ્ટન તરીકે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી. ઇંગ્લેન્ડ નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં લુટોન બંગાલ ટાઈગર, મિડલેન્ડ્સ વોરિયર્સ, માન્ચેસ્ટર રાઈડર્સ સહિતની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધાની શરૂઆતથી જ લુટોન બંગાલ ટાઈગરના ખેલાડીઓએ મજબૂત રમત સાથે પોતાની ક્ષમતા પુરવાર કરી હતી. દરેક મુકાબલામાં ટીમના ખેલાડીઓએ એક સૂત્રતા અને ઉત્સાહ સાથે રમત રમી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. ફાઈનલ મુકાબલામાં પણ ટીમે દમદાર પ્રદર્શન જાળવી રાખી વિજય મેળવ્યો હતો અને અંતે ચેમ્પિયનશિપની ટ્રોફી પોતાના નામે કરી હતી.

ખાસ નોંધપાત્ર બાબત એ છે કે વિજેતા ટીમના નેતૃત્વમાં ગુજરાતનો મજબૂત નાતો જોવા મળ્યો હતો. કોડીનારના મૂળ વતની અને હાલ લંડનમાં સ્થાયી થયેલા કુલદીપસિંહ વાળા ટીમના કેપ્ટન હતા, જ્યારે ખંભાત તાલુકાના જલુધ ગામના વતની સંજય ઠાકોર વાઈસ કેપ્ટન તરીકે ટીમ સાથે જોડાયેલા હતા. સંજય ઠાકોરે ટીમના નેતૃત્વમાં મહત્વની ભૂમિકા ભજવી સમગ્ર સ્પર્ધા દરમિયાન સાથી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વિદેશની ધરતી પર ગુજરાત અને ખાસ કરીને ખંભાત પંથકના ખેલાડીએ કબડ્ડીના મેદાનમાં મેળવેલી આ સફ્ળતાથી જલુધ ગામ સહિત સમગ્ર ખંભાત તાલુકામાં ગૌરવની લાગણી પ્રસરી છે. ગુજરાતના બે રમતવીરોના નેતૃત્વ હેઠળ લુટોન બંગાલ ટાઈગર ટીમે ઇંગ્લેન્ડમાં ચેમ્પિયન બની ગુજરાતનું નામ રોશન કરતાં રમત પ્રેમીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. સંજય ઠાકોરની આ સિદ્ધિ યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે. વિજેતા ટીમને ઇંગ્લેન્ડ કબડ્ડી એસોસિયેશનના પ્રમુખ અશોકદાસ, મેનેજર સુશીલકુમાર સહિત સમર્થકો, શુભેચ્છકો અને રમતપ્રેમીઓએ અભિનંદન પાઠવી ટીમના તમામ ખેલાડીઓ તથા ખાસ કરીને ગુજરાતના બંને રમતવીરોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.