ખેલમેદાનમાં પ્રતિભા, પરિશ્રમ અને ટીમવર્કનો ત્રિવેણી સંગમ સર્જાય ત્યારે સફ્ળતાનો ઇતિહાસ રચાય છે. ખેલ મહાકુંભ-2026 અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટમાં ખંભાતની માધવલાલ શાહ હાઈસ્કૂલે આવી જ બેવડી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આણંદ વિદ્યાનગરના રામપુરા કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શાળાની અંડર-14 બોયઝ અને અંડર-14 ગર્લ્સ એમ બંને ટીમોએ શાનદાર રમતનું પ્રદર્શન કરી ફાઇનલ મુકાબલામાં વિજય મેળવ્યો હતો. બંને ટીમોએ ગોલ્ડ મેડલ અંકે કરી જિલ્લા ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી ખંભાતનું નામ રમતગમતના ક્ષેત્રે ગૌરવભેર રોશન કર્યું છે. સ્પર્ધા દરમિયાન બંને ટીમોના ખેલાડીઓએ રમત પ્રત્યેની નિષ્ઠા, આત્મવિશ્વાસ, શિસ્તબદ્ધ રમત અને પરસ્પર તાલમેલના આધારે મેદાનમાં પોતાની ક્ષમતા સાબિત કરી હતી. અંડર-14 બોયઝ ટીમે કેપ્ટન કલ્પ શાહના નેતૃત્વમાં જ્યારે અંડર-14 ગર્લ્સ ટીમે કેપ્ટન હેની પટેલની આગેવાનીમાં પ્રતિસ્પર્ધી ટીમોને ટક્કર આપી ફાઇનલમાં વિજય મેળવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા. વિશેષ નોંધનીય બાબત એ છે કે એક જ શાળાની દીકરાઓ અને દીકરીઓની બંને ટીમોએ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી એકસાથે બે ગોલ્ડ મેડલ જીત્યા છે. આ સફ્ળતા માત્ર શાળાની રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠતાની સાક્ષી નથી, પરંતુ ખંભાતના વિદ્યાર્થીઓમાં રહેલી રમતગમતની પ્રતિભા અને ક્ષમતાનું પણ ઉજ્જવળ પ્રતિબિંબ છે. આ બંને ટીમોની સફ્ળતા પાછળ ખેલાડીઓની સખત મહેનતની સાથે તેમને મળેલું સચોટ માર્ગદર્શન અને સતત પ્રોત્સાહન પણ મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ટીમોને તૈયાર કરવામાં કોચ નૈનિશાબા વાળા, આદિલ સૈયદ, પી.ટી. ટીચર રાજેશ રાવત અને વિનોદ ચૌધરીએ વિશેષ પરિશ્રમ લઈ ખેલાડીઓને માર્ગદર્શન પૂરું પાડયું હતું. બંને ટીમોની આ ગૌરવવંતી સિદ્ધિ બદલ તાલુકા કન્વીનર સી.જી. પટેલ તથા શાળાના આચાર્ય અનિલભાઈ પરમારે ખેલાડીઓ, કોચ અને માર્ગદર્શકોને અભિનંદન પાઠવી તેમની મહેનતને બિરદાવી હતી. હવે જિલ્લા કક્ષાએ ચેમ્પિયન બનેલી બંને ટીમો ઝોન કક્ષાની સ્પર્ધામાં આણંદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ખેલ મહાકુંભના મંચ પર માધવલાલ શાહ હાઈસ્કૂલની આ બેવડી જીતે સાબિત કર્યું છે કે યોગ્ય તાલીમ, પ્રોત્સાહન અને મક્કમ મનોબળ મળે તો ખંભાતની પ્રતિભાઓ કોઈપણ મેદાનમાં વિજયનો પરચમ લહેરાવી શકે છે.
