ખંભાત શહેરમાં રેલવે ફાટકથી આકૃતિ ટાઉનશિપ તરફ્ જતા માર્ગ પર ઠેરઠેર મોટા ખાડા પડી જવા અને ગટરના ગંદા પાણી રસ્તા પર ઉભરાવાની સમસ્યાએ સ્થાનિક રહીશો, વાહનચાલકો અને રાહદારીઓની મુશ્કેલીઓ વધારી દીધી છે. માર્ગ પર ભરાયેલાં દુર્ગંધયુક્ત ગંદાં પાણીના કારણે લોકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઉપરાંત આ માર્ગ ઉપર અનેક વાર ગંભીર અકસ્માતો થયા હોવાનું પણ જાગૃત નાગરિકો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સમસ્યા અંગે વારંવાર પાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવાતાં ન હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.શહેરીજનો પાસેથી તગડો ટેક્સ વસૂલવામાં પાલિકાના શાસકો પાયાની સુવિધાઓ આપવામાં ફૂલ્લી નાપાસ હોવાના આક્ષેપો શહેરીજનો કરી રહ્યા છે.ખોબલે-ખોબલે મત આપ્યા પછી પણ શહેરીજનોના લમણે યાતનાઓ લખાઈ હોવાના આક્ષેપો લોકો કરી રહ્યા છે. શહેરમાં રોકેટગતિએ વિકાસ કરવામાં આવશે તેવાં બણગાં ફૂંકનારા નેતાઓ માત્ર તમાશા જોતા હોવાના આક્ષેપો ઊઠી રહ્યા છે. વિકાસના નામે હથેળીમાં ચાંદ બતાવવામાં કહેવાતા લોક સેવકોએ કોઈ કસર બાકી રાખી નથી પણ વાસ્તવિક્તા કંઈક અલગ જ ચિત્ર બયાન કરી રહી છે. એસી ઓફિસમાં બેઠા-બેઠા કાગળ ઉપર વિકાસના રમરમાટ ઘોડા દોડાવતા અધિકારીઓ પણ જરા એકાદ વાર બહાર નીકળીને લોકો કેવી યાતનાઓ ભોગવી રહ્યા છે તે અનુભવે તો ખબર પડે કે ખરેખર વિકાસ થયો છે કે પછી વિકાસના નામે ધૂપ્પલ ચલાવવામાં આવી રહ્યું છે. રેલવે ફાટકથી આકૃતિ ટાઉનશીપના આ માર્ગ પર અનેક વિદ્યાર્થીઓ દરરોજ અવરજવર કરે છે, જ્યારે દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓને પણ ગંદકી અને ખાડાઓના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માર્ગ પર અનેક સ્થળોએ ગટરના ઢાંકણાં ખુલ્લાં હોવા અને પાણી ભરાયેલાં રહેવાને કારણે અકસ્માતની આશંકા પણ વધી છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકો માટે આ માર્ગ જોખમી બની શકે છે. સ્થાનિકોનું કહેવું છે કે રસ્તાની ખરાબ હાલત અને ગંદા પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તે અત્યંત જરૂરી છે.
