ઐતિહાસિક વારસો, પ્રાચીન સંસ્કૃતિ અને અતૂટ આસ્થાની આગવી ઓળખ ધરાવતી ત્રંબાવટી નગરી એટલે આજનું ખંભાત શહેર. એક સમયની આ ઐતિહાસિક નગરીની ઓળખ માત્ર તેના ભવ્ય ભૂતકાળ પૂરતી સીમિત નથી, પરંતુ અહીં પેઢી દર પેઢી જળવાતી ધાર્મિક પરંપરાઓ પણ ખંભાતની આગવી ઓળખને જીવંત રાખે છે. શહેરના વાળંદવાડા વિસ્તારમાં બિરાજમાન ખાડાવાળી ખોડિયાર માતાજીની આશરે 150 વર્ષ જૂની પરંપરા આ જ આસ્થા અને ભક્તિનું અનોખું પ્રતીક છે. વર્ષ દરમિયાન માત્ર ભાદરવા મહિનાની અમાસથી શરદપૂનમ સુધી, આશરે 15 દિવસ માટે જ માતાજી ભક્તોને દર્શન આપે છે. નવરાત્રિના પવિત્ર પર્વમાં માતાજીનાં દર્શન કરવા માટે ખંભાત સહિત આસપાસનાં વિસ્તારોમાંથી અનેક શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે. મંદિરના અગ્રણી સુનિલભાઈ પારેખના જણાવ્યા મુજબ ખંભાતની ઐતિહાસિક ઓળખ અને અહીંની ધાર્મિક પરંપરાઓનો સંબંધ વર્ષો જૂનો છે. માતાજીની આરતીમાં ગવાતી ક્કત્રંબાવટી નગરીક્રની પંક્તિ પ્રાચીન ખંભાતની ઓળખને આજે પણ ભાવિકોના હૃદયમાં જીવંત રાખે છે. આ જ ઐતિહાસિક નગરીમાં ખાડાવાળી ખોડિયાર માતાજીની અનોખી પરંપરા શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. લોકમાન્યતા અનુસાર, આશરે 150 વર્ષ પહેલાં સ્વ. રમણભાઈ અંબાલાલ પારેખના સ્વપ્નમાં મા ખોડિયાર પ્રગટ થયાં હતાં અને માતાજીએ 15 દિવસ બહાર રહી ભક્તોને દર્શન આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ દિવ્ય સ્વપ્ન બાદ શરૂ થયેલી પરંપરા આજે પણ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે જાળવી રાખવામાં આવી છે. ભાદરવા અમાસના દિવસે માતાજી પ્રાગટય પામે છે અને ત્યારથી દર્શનનો પવિત્ર સમયગાળો શરૂ થાય છે.
