દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા રાષ્ટ્રીય સલામતીનો અત્યંત સંવેદનશીલ મુદ્દો છે. ખંભાતના દરિયાઈ પટ્ટાની સુરક્ષા વ્યવસ્થાને લઈને સ્થાનિકોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ્ દરિયાઈ માર્ગે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની જરૂરિયાત છે, તો બીજી તરફ્ ખંભાતના દરિયાકાંઠે વસતા ગ્રામ્ય વિસ્તારના લોકો અને દરિયો ખેડતા માછીમારોની સલામતીનો સવાલ પણ એટલો જ ગંભીર છે. આશરે 55 કિલોમીટરના દરિયાઈ પટ્ટા પર દેખરેખ રાખવા માટે આવેલી રાધારી, વડગામ, રાલેજ અને ધુવારણની ચાર મરીન કોસ્ટલ પોલીસ ચોકીઓ બંધ હાલતમાં હોવાના સ્થાનિકોના આક્ષેપોએ સુરક્ષા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે. જો દરિયાઈ સુરક્ષાની જવાબદારી સંભાળતી ચોકીઓ જ નિયમિત રીતે કાર્યરત ન હોય તો દરિયાકાંઠા પર અસરકારક દેખરેખ કેવી રીતે જળવાય તેવો પ્રશ્ન હવે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ખંભાતનો દરિયાકાંઠો માત્ર ભૌગોલિક વિસ્તાર નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા, સ્થાનિક લોકોની સલામતી, માછીમારી વ્યવસાય અને દરિયાઈ અવરજવર સાથે સંકળાયેલો મહત્ત્વનો વિસ્તાર છે. સ્થાનિક જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ, દરિયાઈ સુરક્ષાને લઈને અસરકારક અને કાયમી વ્યવસ્થાની જરૂર હોવા છતાં અહીં પૂરતી તકેદારી રાખવામાં આવતી હોવાની ખાતરી મળતી નથી. ચાર મરીન કોસ્ટલ પોલીસ ચોકીઓની સ્થિતિ, પોલીસ સ્ટાફ્ની ઉપલબ્ધતા, પેટ્રોલિંગની નિયમિતતા અને આધુનિક સંચાર સાધનોની સુવિધા અંગે તંત્ર દ્વારા સ્પષ્ટતા થવી જરૂરી બની છે. માત્ર પેટ્રોલિંગના આધારે સુરક્ષાની જવાબદારી પૂર્ણ થઈ જતી નથી. દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ, શંકાસ્પદ હિલચાલની તપાસ, સ્થાનિક માછીમારો સાથે સંકલન અને તાત્કાલિક પ્રતિસાદની વ્યવસ્થા પણ એટલી જ જરૂરી છે. ત્યારે સંબંધિત તંત્ર આ ચારેય ચોકીઓની વાસ્તવિક સ્થિતિ જાહેર કરી તેને સંપૂર્ણ કાર્યરત બનાવવા માટે ક્યારે પગલાં ભરશે તેવો સવાલ ઊઠી રહ્યો છે. ખંભાતનો અખાત અરબી સમુદ્ર સાથે જોડાયેલો મહત્ત્વનો દરિયાઈ વિસ્તાર છે. આ વિસ્તારની સુરક્ષા માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ દરિયાઈ અવરજવર અને રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ પણ મહત્ત્વ ધરાવે છે. દરિયાકાંઠે સઘન દેખરેખ, શંકાસ્પદ હિલચાલની તપાસ, મરીન પોલીસની સક્રિય કામગીરી અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન મજબૂત બનાવવું જરૂરી છે. સંભવિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે આગોતરા આયોજન અને સતત તકેદારી અનિવાર્ય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો