સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ એક મોટી કાર્યવાહી હાથ ધરીને હથિયારોના ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ કર્યો છે. પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન પાસિંગના એક શંકાસ્પદ બાઇકને અટકાવવામાં આવ્યું હતું. આ બાઇક પર સવાર બે શખ્સોની તલાશી લેતા તેમની પાસે રહેલી કોલેજ બેગમાંથી 3 પિસ્તોલ, મેગેઝીન અને જીવતા કારતૂસનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પકડાયેલા બંને આરોપીઓ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે, જેઓ આ હથિયારો ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.


બોર્ડર પર કડક નજર

ખેડબ્રહ્મા પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલે ગુનો નોંધીને પકડાયેલા શખ્સોની કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હથિયારોનો આ જથ્થો રાજસ્થાનથી કોના માટે લાવવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ કયા ગુનાહિત હેતુ માટે થવાનો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસને આ કેસમાં અન્ય એક શખ્સ સામેલ હોવાની વિગતો મળી છે, જે હાલ ફરાર છે અને તેને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. સરહદી વિસ્તારમાં ચૂંટણી કે અન્ય કારણોસર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે કડક પેટ્રોલિંગ અને સર્વેલન્સ વધારી દીધું છે.

આ પણ વાંચો : Ahmedabad ની આસપાસ પાંચ નવા સેટેલાઇટ ટાઉન વિકસશે, સાણંદ અને કલોલના વિકાસ માટે ઔડાનો રોડમેપ

  • Follow us on: