ખેડબ્રહ્મા : સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્માના શ્રી અંબિકા માતાજી મંદિર ખાતે આગામી તા.11મી ઓક્ટોબર દરમિયાન નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જેને લઈ અંબિકા નવરાત્રિ મંડળની મહત્વપૂર્ણ બેઠક તા.5મીના રોજ નવરાત્રિ ચાચર ચોક ખાતે યોજાઈ હતી. બેઠકમાં અંબિકા નવરાત્રિ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આગામી 10 દિવસ દરમિયાન મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો, શ્રદ્ધાળુ અને ખેલૈયાઓ ઉમટી પડનાર હોવાથી વ્યવસ્થા તથા વિવિધ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. મંડળના સભ્યોએ નવરાત્રિના સમગ્ર દસ દિવસ દરમિયાન સોંપવામાં આવનાર જવાબદારીઓને નિષ્ઠા, સેવાભાવ અને સમર્પણ સાથે નિભાવવાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. નવરાત્રિ મહોત્સવ દરમિયાન ભક્તોને સુખદ અને શાંતિપૂર્ણ વાતાવરણ મળી રહે તેમજ સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે સૌએ સહકાર આપવાનો સંકલ્પ કર્યો હતો.
