ખેડા જિલ્લાના કપડવંજમાં આવેલા ઐતિહાસિક 'શ્રી દાદા ગંગારામ અખાડા' પર કબજો મેળવવાના પ્રયાસને લઈ બે જૂથો વચ્ચે ગંભીર વિવાદ છેડાયો છે. આ વિવાદ મુખ્યત્વે મુસ્લિમ કિન્નરો અને હિન્દુ કિન્નરો વચ્ચે વર્ચસ્વ જમાવવા બાબતે હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના જમાલદાદા અખાડાના કિન્નરો દ્વારા કપડવંજના અખાડાને નિરમૂળ કરી દેવાની અને તેને પોતાના અખાડામાં ભેળવી દેવાની ધમકી આપવામાં આવતા મામલો ગરમાયો છે. સ્થાનિક કિન્નરોએ આક્ષેપ કર્યો છે કે અમદાવાદના જૂથ દ્વારા તેમને ડરાવી-ધમકાવીને અખાડા પર ગેરકાયદેસર રીતે વર્ચસ્વ સ્થાપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
અખાડાના અસ્તિત્વની લડાઈ
આ વિવાદની જાણ થતા જ કઠલાલ પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં જ કડક કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદથી કપડવંજ તરફ મોટી સંખ્યામાં આવી રહેલા કિન્નરોના વાહનોના કાફલાને કઠલાલ પોલીસે રસ્તામાં જ અટકાવી દીધો હતો. પોલીસના હસ્તક્ષેપને કારણે સંભવિત ઘર્ષણ ટળ્યું છે, પરંતુ હાલમાં વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. અખાડાની પરંપરા અને ધાર્મિક ઓળખને બચાવવા માટે સ્થાનિક કિન્નરો મક્કમ છે, જ્યારે સામી બાજુથી સતત મળી રહેલી ધમકીઓને પગલે પોલીસ તૈનાત કરવામાં આવી છે.













