ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ ગળતેશ્વર ખાતેથી એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. મહીસાગર અને ગળતી નદીના ત્રિવેણી સંગમ તટે આવેલા આ પવિત્ર સ્થળે દર્શનાર્થે અને નાહવા માટે આવેલા મુસાફરો અને નદી કિનારે ધંધો કરતા સ્થાનિક વેપારીઓ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે ધીંગાણું સર્જાયું હતું. બંને પક્ષો વચ્ચે થયેલી આ લોહિયાળ ઝપાઝપી અને મારામારીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ વાયરલ વીડિયોની 'સંદેશ' સત્તાવાર પુષ્ટિ કરતું નથી.
ઉમટેલી મેદની વચ્ચે ગેરકાયદે વેપારીઓની દાદાગીરી
હાલમાં ચાલી રહેલા પવિત્ર અક્ષર પુરુષોત્તમ માસના કારણે ગળતેશ્વર મહાદેવના દર્શન કરવા અને સંગમ નદીમાં પવિત્ર સ્નાન કરવા માટે ઐતિહાસિક કહી શકાય તેટલું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ ભીડનો લાભ ઉઠાવીને નદીના પટમાં ગેરકાયદેસર રીતે ઝુંપડા અને કેબિનો તાણી બાંધીને વ્યવસાય કરતા કેટલાક અસામાજિક તત્વો જેવા વેપારીઓએ સામાન્ય બાબતમાં યાત્રીઓ સાથે બબાલ શરૂ કરી દીધી હતી. જોતજોતામાં વિવાદ એટલો વધી ગયો કે લાકડીઓ અને હાથઉછીના હથિયારો વડે મુસાફરો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેનાથી પવિત્ર યાત્રાધામની ગરિમા ખરડાઈ છે.













