મહેમદાવાદ તાલુકાના ઘોડાસર ગામમાં 11 કંપનીઓનો કરોડો રૂપિયાનો વેરો વર્ષોથી બાકી હોવાના મુદ્દે ગ્રામજનો આક્રમક બન્યા છે. સરપંચ, તલાટી અને ગ્રામજનોએ ઢોલ-નગારાં વગાડી બાકી વેરાદારોની કંપનીઓ સુધી રેલી યોજી વેરો ભરવા ઉગ્ર રજૂઆત કરી હતી. 3 કંપનીઓએ વેરો ભરવાની સંમતિ દર્શાવી, જ્યારે 8 એકમો 4 વર્ષથી વેરો ચૂકવતા ન હોવાનો આક્ષેપ છે.
ઘોડાસર ગામમાં આવેલી 11 કંપનીઓ પૈકી 8 કંપનીઓ દ્વારા છેલ્લા ચાર વર્ષથી ગ્રામપંચાયતનો વેરો નહીં ભરાતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. સરપંચ અને તલાટીએ વારંવાર સરકારી તંત્રનું ધ્યાન દોરવા છતાં વેરાની વસુલાત નહીં થતાં આખરે ગ્રામજનોએ મહેમદાવાદ પોલીસ, મામલતદાર અને ટીડીઓને જાણ કરી ઢોલ-નગારાં સાથે રેલી યોજી હતી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે કેટલીક કંપનીઓએ જરૂરી પરવાનગી અને રજાચિઠ્ઠી વગર બાંધકામ કર્યું છે તેમજ સરકારી જમીન પર દબાણ કર્યું છે. કેટલીક કંપનીઓમાંથી પ્રદૂષિત પાણી જમીનમાં ઉતારવામાં આવતું હોવાના આક્ષેપો પણ થયા છે. ગામના ત્રણ પીવાના પાણીના બોર પૈકી બે બોરમાંથી લાલ રંગનું પાણી આવતું હોવાથી હવે માત્ર એક બોરનું પાણી ઉપયોગમાં લેવાય છે. ગ્રામજનોએ છેલ્લા પાંચ વર્ષમાં ગામમાં કેન્સરના આશરે 40 કેસ નોંધાયા હોવાનો ગંભીર દાવો કર્યો હતો. આ ઉપરાંત કેટલીક કંપનીઓમાં બાંગ્લાદેશી નાગરિકોને પોલીસ વેરિફ્કિેશન વિના નોકરીએ રાખવામાં આવ્યા હોવાના તેમજ ફયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થા નહીં હોવાના આક્ષેપો પણ કરાયા છે. ગામના સરપંચ અજબસિંહ ડાભીએ જણાવ્યું હતું કે કુલ 11 કંપનીનો કરોડોનો વેરો બાકી છે જે ભરવા માટે તલાટી અને સરપંચે વારંવાર એકમોના માલિકોને આજીજી કરી હોવા છતા એકમોના માલિકો મંત્રીઓના સગા અને પોતે વગદાર હોવાનું જણાવી 4 વર્ષથી બાકીવેરા ભરાતા ન હતા. જેથી જરૂરી પરવાનગીઓ મેળવી સરપંચ, તલાટી, ઘોડાસર સ્ટેટના બાપુ સહિત ગ્રામજનોએ ભેગા મળી કંપનીઓમાં પહોંચી બાકી વેરા ભરવા જણાવ્યું હતું. આ ઉપરાંત ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામજનો તેમજ સરપંચે રવિવારે ભેગા મળી ગામમાં રેલી યોજી બાકી વેરાદારોને ચેતવણી આપી હતી કે જો એક અઠવાડિયામાં બાકી વેરા ભરીદેવામાં નહિ આવે તો એકમોને તાળાબંધી કરવામાં આવશે.
