23

યાત્રાધામ ડાકોરમાં ભાદરવી પૂર્ણિમા નિમિત્તે દર્શનાર્થીઓનો મહેરામણ ઊમટી પડયો હતો. ડાકોર રણછોડરાયજી મંદિરમાં મંગળાઆરતી સમયે ભકતોની ભારે ભીડ જોવા મળી હતી. ભકતોના જય રણછોડ , માખણચોરના ગગનભેદી નાદથી દિવસભર વાતાવરણ ગુંજતુ રહ્યું હતું. દર્શનાર્થીઓને કોઇ મુશ્કેલી ન પડે તે માટે અને દર્શનનો લાભ લઇને શકે તેવું મંદિર વહીવટી તંત્ર આયોજન કરવામાં આવ્યું હતું. પૂનમને લઇને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શયન દર્શન સુધીમાં અંદાજે એક લાખ ઉપરાંત ભકતોએ દર્શન નો લાભ લઇને ધન્યતા અનુભવી હતી. યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભાદરવી પૂર્ણિમા પર્વ નિમિતે વહેલી સવારે 5.15 કલાકે મંગળા આરતીના દર્શનાર્થે પણ વૈષ્ણવો અને ભકતોની ભારે ભીડ જોવા મળી હતી. મંગળાઆરતી બાદ મંદિરમાં બિરાજમાન શ્રી ઠાકોરજીને સ્નાન કરાવ્યા બાદ વિશેષ વસ્ત્રો ,આભૂષણો અને મનોહર મુગટ ધારણ કરાવી દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. આ દિવ્ય દર્શનનો લાભ લેવા ભકતોનો સાગર ઊમટી પડયો હોય તેવા નગરમાં દ્રશ્યો જોવા મળ્યો હતા. દિવસભર દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ રહ્યો હતો. ભકતોના જય રણછોડ ... માખણચોરના ગગનભેદી નાદ થી ગુંજી ઊઠયા હતા. મંદિર પરિસરમાં ચારેય તરફ ભકિતમય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. પૂર્ણિમા પર્વને લઇને દર્શનાર્થીઓ અને યાત્રાળુઓની ભારે અવર જવરના કારણે સ્થાનિક વેપારી વર્ગમાં પણ વેપાર ધંધો સારો થવાથી ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો હતો. સાંજે શયન આરતી દર્શન સુધીમાં અંદાજે એક લાખ ઉપરાંત ભકતોએ દર્શનનો લાભ લઇને ધન્યતા અનુભવી છે. ભકતોને દર્શન કરવામાં કોઇ અગવડ ન પડે તે માટે મંદિર પ્રશાસન અને સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું.