પવિત્ર અધિક માસમાં ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર તેમજ ગળતેશ્વર મહી સ્નાન માટે ભાવિકોનો ધસારો રહેતો હોય છે. તેમાંય પુરુષોત્તમ માસ સોમવારે અમાસ સાથે પુર્ણ થતો હોય રવિવારે ડાકોર તેમજ ગળતેશ્વરમાં વહેલી સવારથી જ ખાસ કરીને મહિલા યાત્રિકોની ભીડ જોવા મળી હતી. ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ પાસેના ઈયાવા ગામથી મહિલા યાત્રિકોઓ અને બાળકો સાથેની ખાનગી લકઝરી બસને ડાકોરથી ગળતેશ્વર તરફ જતા રવિવારે સવારે અંબાવ પાસે અકસ્માત નડતા વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા લકઝરી બસ રોડ પર પલટી જવા પામી હતી. બનાવમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે બસમાં સવાર 65 જેટલા મુસાફરોમાંથી મહિલાઓ અને કેટલાક બાળકોને ઈજાઓ પહોંચતા નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા.


બનાવ અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામ નજીક સહજાનંદ ટ્રાવેલ્સની ખાનગી બસના ચાલકે કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બસ પલટી ખાઈ ગઈ હતી. જેમાં એક મહિલા યાત્રાળુનું મોત થયુ હતું. જ્યારે 35થી વધુ યાત્રિકોને ઈજા થતા સેવાલિયા ખાતે આવેલ સીએચસીમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ અકસ્માતની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બસની બહાર કાઢયા હતા જેને 108 મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા. સાણંદના ઈયાવા ગામથી 65 યાત્રિકો સહજાનંદ ટ્રાવેલ્સની ખાનગી લકઝરી બસમાં ડાકોર તેમજ ગળતેશ્વર દર્શનાર્થે બસમાં નીકળ્યા હતા. ત્યારે ડાકોર દર્શન કરી ગળતેશ્વર તરફ જઈ રહ્યા હતા ત્યારે અંબાવમાં ટ્રાફિક હોવાના કારણે અગાઉથી નક્કી કરેલા પોલીસ પોઈન્ટ વાળા ટર્ન પરથી વળવાને બદલે બસ ચાલક લહેરિપુરા નજીક રોડ પર ટર્ન મારવા ગયો હતો.તે સમયે બસ ચાલકે બસને પહેલાં આગળ લીધી અને ત્યારબાદ જ્યારે તે બસને રિવર્સ લેવા ગયો ત્યારે આ સિંગલ પટ્ટી રોડ પરથી બસનું એક વ્હીલ નીચે ઉતરી ગયું હતું. જેથી ચાલકે કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી.

જેથી અનેક લોકો બસમાં ફસાઈ ગયા હતા અને હાઈવે ચિચીયારીઓથી ગુંજી ઉઠયો હતો. આ ઘટનાની જાણ થતા સેવાલિયા પીઆઇ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત સ્થાનિક યુવાનો અકસ્માત સ્થળે મદદ માટે પહોંચી ગયા હતા. અને પલટી મારી ગયેલી બસમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ગંભીર રીત ઈજાગ્રસ્તોને 35થી વધુ યાત્રિકોને સેવાલિયા સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર હાજર ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. સેવાલિયા ખાતે ડોક્ટર હાજર ન હોવાથી ગંભીર રીતે ઇજા પામેલા પશીબેન બળદેવભાઈ સોલંકી (ઉ.વ. 65 રહે. સાણંદ)ને વધુ સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ઠાસરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જેથી તેમના પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: