કઠલાલ પંથકમાંથી વધુ એકવાર ગેરકાયદે પોષડોડાનો મોટો જથ્થો ઝડપાઈ જવા પામ્યો છે. એક પિતા-પુત્રની જોડી પોષડોડાનો જથ્થો બહારના રાજ્યમાંથી મંગાવી તેનું ખાનગી વેચાણ કરી રહી હતી. દરમિયાન એસઓજી ખેડાએ રેડ કરી હતી. દરમિયાન પિતા ઝડપાઈ ગયો હતો. સ્થળ પરથી એસઓજીએ 155 કિલો પોષડોડાનો જથ્થો પણ કબજે લીધો હતો. ચર્ચાતી વાતો મુજબ વર્ષોથી ઈસમો બહારના રાજ્યથી જથ્થો મંગાવી તેનું ખાનગી વેચાણ કરી રહ્યા છે.


કઠલાલ તાલુકાના અભ્રિપુર કણજ વિસ્તારમાં રહેતો સોમા પુંજાભાઈ ઝાલા તથા તેના પિતા તેમના ઘરમાં ગેરકાયદેસર રીતે પોષડોડાનો જથ્થો રાખી તેનું ખાનગી રાહે વેચાણ કરતો હોવાની બાતમી ખેડા નડિયાદ એસઓજી પોલીસને મળી હતી. બાતમી આધારે પોલીસે સ્થળ પર પહોંચી દરોડા પાડયા હતા. દરમિયાન એક બોલેરો કારમાં બેસેલ ઈસમ પોલીસને જોઈ ખેતરાળુ રસ્તે ભાગી ગયો હતો. પોલીસે પીછો કર્યો હતો પણ હાથ લાગ્યો ન હતો. જો કે પુંજા હોથાભાઈ ઝાલા (ઉં.વ.70)ને પોલીસે ઝડપી પાડયા હતા. ઘરની તપાસ કરતાં ધાબા પરથી વનસ્પતિજન્ય પોષડોડાનો જથ્થો સુકવેલ મળી આવ્યો હતો. તેમના ખેતરમાં તપાસ કરતાં ઓરડીમાંથી પોષડોડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 155.170 કિલોગ્રામનો જથ્થો સહિત 23.67 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. ઝડપાયેલ વૃદ્ધે જણાવ્યું હતું કે બંને પિતા - પુત્ર મળી પોષડોડાનું વેચાણ કરે છે. જો કે જથ્થો તેમનો પુત્ર કોઈકની પાસેથી લાવ્યો હતો. પોલીસે બંને પિતા - પુત્ર વિરુદ્ધ કઠલાલ પોલીસ મથકે એનડીપીએસ એક્ટ મુજબ ફરિયાદ નોંધી હતી. અને ફરાર પુત્રને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: