કપડવંજ વાત્રક નદીના પુલ પર ભારે વાહનો પસાર ન થઈ શકે તે માટે એક રેલીંગ લગાવવામાં આવી છે. જે પુલ પરથી આગલી રાત્રે એક કપચી ભરેલ હાઈવા વાહન પુરઝડપે પસાર થઈ રહ્યું હોઈ, ચાલકને રેલીંગ ન દેખાતા ભટકાઈ ગયું હતું. જેના કારણે કેબીનમાં બેસેલ ચાલક સહિત ત્રણ લોકો ફસાઈ ગયા હતા. જે પૈકી એકનું મોત નિપજયું હતું, જ્યારે બેને ઈજા પહોંચવા પામી હતી.
અરવલ્લી જિલ્લાના સાઠંબામાં રહેતા અર્જુનસિંહ દોલસિંહ સોલંકી ગત તા.9 એપ્રિલ 2026ના રોજ તેમની હાઈવા ગાડીમાં કપચી ભરીને કુવાકોઠીયા ખાલી કરવા જઈ રહ્યા હતા. દરમિયાન અર્જુનસિંહ સાથે તેમના ગામના બે મિત્રો અશ્વિનસિંહ સોલંકી તથા ગણપતસિંહ માનસિંહ સોલંકી પણ સાથે જવા તૈયાર થયા હતા. ત્રણેય મિત્રો સાઠંબાથી વાયા કપડવંજ આંતરસુબા થઈ અપ્રુજી તરફથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન કપડવંજ વાઘાવત નજીકથી પસાર થતી વાત્રક નદીના બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ માટે રેલીંગ લગાવેલ હોઈ તેમાં અર્જુનસિંહે ફુલસ્પીડમાં હાઈવાને રેલીંગમાં અથડાવી દીધી હતી. જેના કારણે કેબીનનો ભાગ કુચો વળી જતાં ત્રણેય મિત્રો કેબીનમાં જ ફસાઈ ગયા હતા. ત્રણેયની બુમો સાંભળીને આસપાસના નાગરિકો મદદે દોડી આવ્યા હતા. ગણપતસિંહ (ઉં.વ.41)ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચવાથી સ્થળ પર જ મોત નિપજયું હતું. જ્યારે અન્ય બેને પણ ઈજા પહોંચી હોઈ સ્થાનિકો દ્વારા 108ને કોલ કરતાં ટીમ સ્થળ પર દોડી આવી હતી. બંનેને સારવાર માટે કપડવંજની હોસ્પિટલમાં ખસેડયા હતા. આ મામલે અશ્વિનસિંહની ફરિયાદના આધારે હાઈવાના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે. આઈવા ધડાકાભેર રેલિંગ સાથે ટકરાતાં અફરાતફરી મચી ગઈ હતી. ચાલક સહીત ત્રણે કેબિનમાં ફસાઈ ગયા હતા. અકસ્માતને લઈ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને રાહત-બચાવની કામગીરી હાથ ધરી હતી. જો કે, ગંભીર ઈજા થવાથી એકનું મોત નિપજ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. અરવલ્લીના બાયડ પાસેના સાઠંબાથી આઈવા કપચી ભરીને જઈ રહ્યું હતું ત્યારે રેલિંગ સાથે ટકરાતાં બનાવ બન્યો હતો.










