પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં આવેલા શિવજીના મંદિરોમાં ઉત્સવ અને અભ્દુત ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. પવિત્ર માસની પૂર્ણાહુતિ નિમિત્તે શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વહેલી સવારથી જ શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. ગળતેશ્વરમાં ગળતી અને મહી નદીના પવિત્ર સંગમ કાંઠે આવેલ આસ્થાના પ્રતીક સમાન પ્રાચીન ગળતેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે ભક્તિમય માહોલ સર્જાયો હતો. આમ તો અહીં બારેમાસ શિવભક્તો શિવજીના દર્શનાર્થે આવતા હોય છે, પરંતુ શ્રાવણ માસના અંતિમ દિવસે વહેલી સવારથી જ ગળતેશ્વર શિવાલયમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડયું હતું, જેના પગલે સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને બમ ભોલેના જયઘોષથી ગુંજી ઊઠયું હતું. સનાતન ધર્મમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ રહેલું છે જેમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. ત્યારે શ્રાવણ માસના અંતિમ દિવસે વહેલી સવારે મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્ર્રોક્ત વિધિથી મહાદેવનો મહાઅભિષેક, વિશેષ શ્રુંગાર અને મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં મહિલાઓ, યુવાનો અને વડીલો સહિત ભક્તોએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ભક્તો માટે મહાપ્રસાદ વિતરણની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. દર્શનાર્થે આવેલી ભક્તોની લાંબી લાઈનોને ધ્યાનમાં રાખીને તેમના મનોરંજન અને ભક્તિભાવ માટે મંદિર તંત્ર દ્વારા ખાસ ભજન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. આ દિવ્ય માસ દરમિયાન શિવભક્તોએ આખો મહિનો ઉપવાસ-એકટાણાં કરી, શિવલિંગ પર દૂધ, જળ અને બિલીપત્ર ચઢાવીને, યથાશક્તિ દાન-પુણ્ય કરીતેમજ ઓમ નમઃ શિવાયના જાપ સાથે આરાધના કરીને મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગળતેશ્વર મહાદેવ ઉપરાંત તાલુકાના અન્ય મંદિરોમાં પણ ઉત્સવ જેવો માહોલ રહ્યો હતો. જેમાં સેવાલિયા પાસે આવેલ દેવઘોડા મંદિર ખાતે તેમજ રૂસ્તમપુરામાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં ભવ્ય ભંડારાનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત નીલકંઠ મહાદેવ મંદિરમાં વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આમ, સમગ્ર ગળતેશ્વર તાલુકામાં શ્રાવણના અંતિમ દિવસે શિવાલયો શિવભક્તિના રંગે રંગાયા હતા અને ભક્તોએ ભાવપૂર્વક પવિત્ર માસની પૂર્ણાહુતિ કરી હતી.
