મહુધા તાલુકાના સરદારપુરા બસ સ્ટેન્ડ નજીક આવેલી કેનાલ શનિવારે મોડી રાત્રે અંદાજે 3 વાગ્યે અચાનક ઓવરફ્લો થતાં રહેણાંક વિસ્તાર અને ખેતીની જમીનમાં પાણી ફરી વળ્યું હતું. કેનાલનું પાણી આશરે 10 જેટલા મકાનોની આગળ સુધી ઘૂસી જતાં પરિવારોને આખી રાત જાગીને પાણીનો સામનો કરવો પડયો હતો. બીજી તરફ્ ખેતરોમાં પણ પાણી ભરાઈ જતાં વાવેતરની તૈયારી કરી રહેલા ખેડૂતોને આર્થિક નુકસાનની ભીતિ ઊભી થઈ છે. ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને તંત્રની ગંભીર બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા છે.
મહુધા તાલુકાના સરદારપુરા ગામેથી પસાર થતી કેનાલ બાબતે સ્થાનિકોના જણાવ્યા મુજબ કેનાલમાં લીકેજ, ઓવરફ્લો અને સફાઈના અભાવની સમસ્યા વર્ષોથી યથાવત છે. આ અંગે સંબંધિત વિભાગમાં અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ કાયમી કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે કેનાલની સફાઈ માત્ર સરકારી કાગળો સુધી જ સીમિત રહી છે, જ્યારે વાસ્તવમાં કેનાલમાં માટે અને કચરાનો ભરાવો હોવાથી પાણીનો પ્રવાહ અવરોધાય છે. પરિણામે થોડો પણ પાણીનો વધારો થાય કે વરસાદ પડે ત્યારે કેનાલ ઓવરફ્લો થઈ ગામ અને ખેતરોમાં પાણી ઘૂસી જાય છે.
