રાજ્યભરમાં હાલ સાર્વત્રિક અને ભારે વરસાદની મહેર જોવા મળી રહી છે, જેના કારણે મોટા ભાગના જળાશયો, નદીઓ અને તળાવોમાં નવા નીરની આવક થઈ રહી છે. એવામાં ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના છેવાડે આવેલા વણાંકબોરી વિયરમાં પાણીની આવક થતાં ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. સમગ્ર ચરોતર પંથકના આશરે 2 લાખ હેક્ટર જેટલા વિશાળ ખેતી વિસ્તાર માટે જીવાદોરી સમાન આ વણાંકબોરી ડેમમાં ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના કારણે નવા નીરનો પ્રવાહ આવ્યો છે. ડેમનું નિયત રૂલ લેવલ 220.75 ફૂટ છે જેની સામે હાલ 25 જુલાઈ શનિવારના બપોરે 1:30 કલાકે જળસપાટી 222.50 ફૂટે પહોંચી જતાં ડેમ 1.75 ફૂટથી ઓવરફ્લો થઈને વહી રહ્યો છે અને તેમાંથી આશરે 5530 ક્યુસેક જેટલું પાણી મહીસાગર નદીમાં પસાર થઇ રહ્યું છે. આ ડેમની સપાટી માત્ર સ્થાનિક સ્તરે પડેલા વરસાદી પાણીની આવકના કારણે વધી છે અને ઉપરવાસમાં આવેલા મુખ્ય કડાણા ડેમમાંથી હજુ સુધી પાણી છોડવામાં આવ્યું નથી કે તેની આવક શરૂ થઈ નથી. કડાણા ડેમમાંથી પાણી છોડયા વિનાપણ માત્ર સ્થાનિક વરસાદથી જ વણાંકબોરી વિયર ઓવરફ્લો થઈ જતાં મહીસાગર નદીના જળસ્તરમા વધારો થયો છે અને નદી બે કાંઠે વહેતી થઈ છે જેને પગલે ચરોતરના ખેડૂતો અને ગ્રામજનોમાં આગામી પાક તથા સિંચાઈ માટે પૂરતું પાણી મળવાની ખાતરી થતાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.