નડિયાદ : ખેડા જિલ્લાના નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ , સલામત અને ગુણવત્તા યુકત મળી રહે તે માટે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા જિલ્લામાં 15 જેટલી હોટલો , રેસ્ટોરન્ટ , હોસ્ટેલોની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન અનેક સ્થળોએ ભારે અસ્વચ્છતા અને ખાવા માટે અયોગ્ય એવો વાસી તથા બિન આરોગ્ય પ્રદ ખોરાક મળી આવ્યો હતો જેમાં ખેડા -ધોળકા હાઇવે પર આવેલ હોટલની તપાસ કરતાં બિન આરોગ્યપ્રદ ખોરાક અંદાજિત રૂ. 2500નો 12 કિલો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. આ હાઇવે પરની સ્વચ્છતાના અભાવે અને બિન આરોગ્યપ્રદ ખોરાક મળી આવતાં ત્રણ હોટલો બંધ કરવામાં આવી છે. નડિયાદ શહેરમાં મનપા કચેરી સામે આવેલ બે રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાના અભાવે અને બિન આરોગ્યપ્રદ ખોરાક મળી આવતાં બંને રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત કોલેજ રોડ પર આવેલી પાંચ હોસ્ટેલોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રાઇમ ગર્લ્સ હોસ્ટેલમાં સ્વચ્છતાનો અભાવ અને બિન આરોગ્યપ્રદ ખોરાક મળી આવતા શંકાના આધારે 3 નમૂના લઇને 8 કિલો જથ્થો અંદાજિત કિ.રૂ.2100 નો નાશ કર્યો હતો. અને આ હોસ્ટેલ બંધ કરવામાં આવી હતી. આ અભિયાનને લઇને જિલ્લાની હોટલો , રેસ્ટોરન્ટ સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો