કપડવંજ તાલુકાના ઘડિયા ગામના મુરાવત ફ્ળિયામાં આવેલી આંગણવાડીની સામે લાંબા સમયથી કચરાનો મોટો ઢગલો પડયો હોવાથી સ્થાનિક રહેવાસીઓ, વાલીઓ તેમજ આસપાસના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આંગણવાડીમાં દરરોજ નાના બાળકો અભ્યાસ, પોષણ અને વિવિધ પ્રવૃત્તિઓ માટે આવતા હોવાથી આંગણવાડીની સામે પડેલા કચરાને કારણે બાળકોના સ્વાસ્થ્ય અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ કચરામાંથી સતત દુર્ગંધ ફેલાતી રહે છે અને ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે કચરો વધુ સડી જતાં સ્થિતિ વધુ વિકટ બની છે. કચરાના ઢગલાને કારણે મચ્છર, માખીઓ અને અન્ય જીવાતોનો ઉપદ્રવ પણ વધી ગયો છે, જેના કારણે ચેપી રોગો ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આંગણવાડીમાં આવતા નાના બાળકો ઉપરાંત આસપાસ રહેતા લોકો પણ આ સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે આ અંગે અનેક વખત ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી. પરિણામે સ્થાનિકોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે.
