ખેડા જિલ્લામાં મહેમિયાદ તાલુકાના ખાત્રજ ગામમાં ગ્રામ પંચાયતના સત્તાવાર લેટરપેડ પર તલાટી અને સરપંચની કથિત ખોટી સહીઓ કરીને ગામની સીમમાં પડેલાં બાવળનાં ઝાડ કોઈ હરરાજી કે કાયદેસરની પ્રક્રિયા વિના મફ્તમાં લઈ જવાની મંજૂરી અપાઈ હોવાના આક્ષેપથી ચકચાર મચી છે. ગત 2 ઓક્ટોબરના રોજ કાળાભાઈ ઉદાભાઈ સોઢાને બાવળનાં ઝાડ લઈ જવા માટે લેટરપેડનો ઉપયોગ થયાનું સામે આવ્યું છે. જોકે, તલાટી અને સરપંચ બંનેએ લેટરપેડનો ઉપયોગ પોતે કર્યો ન હોવાનું જણાવ્યું હોવાના કારણે સમગ્ર મામલો વધુ શંકાસ્પદ બન્યો છે. પંચાયતના સત્તાવાર દસ્તાવેજનો ઉપયોગ કોણે અને કયા અધિકારથી કર્યો, તે અંગે હવે જવાબદારી નક્કી કરવાની પણ માગ ઊઠવા પામી છે.

આ અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર, ખાત્રજ ગ્રામ પંચાયતના લેટરપેડ પર તલાટી અને સરપંચની સહીઓ દર્શાવી ગામની સીમમાં પડેલાં બાવળનાં ઝાડ લઈ જવા માટે મંજૂરીપત્ર જેવો દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ અંગે તલાટીએ જણાવ્યું હોવાનું કહેવાય છે કે તેઓ ગામના લેટરપેડનો ઉપયોગ કરતા નથી અને નોટિસ સહિતનાં સરકારી કામો માટે પંચાયતના કમ્પ્યુટરમાંથી સીધી લેટરપેડની નકલ કાઢે છે. બીજી તરફ્ સરપંચે પણ પોતે આ લેટરપેડનો ઉપયોગ કર્યો ન હોવાનું જણાવ્યું છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જો બંને જવાબદાર પદાધિકારીઓએ લેટરપેડનો ઉપયોગ કર્યો નથી, તો તેમના નામે સહીઓ કોણે કરી અને દસ્તાવેજ તૈયાર કરવાની સત્તા કોને આપી? શું પંચાયતના સત્તાવાર લેટરપેડનો અન્ય કામોમાં પણ આવો જ દુરુપયોગ થયો છે? આ બાબતની તપાસ અનિવાર્ય બની છે. જો સહીઓ ખોટી હોવાનું અને દસ્તાવેજનો ગેરકાયદે ઉપયોગ થયાનું પુરવાર થાય, તો ભારતીય ન્યાય સંહિતા, 2023ની બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા અને તેનો ઉપયોગ કરવા સંબંધિત જોગવાઈઓ લાગુ પડતી હોય તો તેની હેઠળ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. સરકારી સંપત્તિની હરાજી કે નિકાલ માટે લાગુ નિયમોનું પાલન થયું હતું કે નહીં, તેની પણ તપાસ થવી જોઈએ. ઉચ્ચ અધિકારીઓ દ્વારા મૂળ લેટરપેડ, પંચાયતના રેકોર્ડ, મંજૂરીપત્ર અને સંબંધિત સહીઓની નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદાર વ્યક્તિ સામે કડક પગલાં ભરવાની માગ ઊઠી છે.