ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં બે દિવસ દરમિયાન મેઘરાજાએ મન મૂકીને મહેર વરસાવતાં સમગ્ર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. સતત ધોધમાર વરસાદના કારણે શહેરના મુખ્ય જળાશયો છલકાઈ ગયા છે, જ્યારે અનેક નિચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત બન્યું છે. સરકારી કચેરીઓના પટાંગણમાં પણ પાણી ભરાઈ જતાં દૈનિક કામગીરી પર અસર જોવા મળી હતી, જોકે વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી જરૂરી કાર્યવાહી કરી રહ્યું છે.

સતત અવિરત વરસાદને પગલે મહુધા મામલતદાર કચેરીના પટાંગણમાં અંદાજે એકથી દોઢ ફૂટ જેટલું પાણી ભરાયું હતું. તાલુકા પંચાયત કચેરી તેમજ રેસ્ટ હાઉસ ચોકડી સામે આવેલા મહુધા પોલીસ સ્ટેશનના પટાંગણમાં પણ વરસાદી પાણીનો ભરાવો થતાં આવન-જાવનમાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.

બીજી તરફ્ શહેરના મુખ્ય જળાશયો કલેસરીયા તળાવ, મોટા તળાવ, સીમજા તળાવ તેમજ રાણીયા-ખાણીયા તળાવો ચિક્કાર ભરાઈ જતાં જળસંગ્રહમાં નોંધપાત્ર વધારો થયો છે. શહેરના રબારીવાસ, કન્યા વિદ્યાલય વિસ્તાર, મુસિબતનગર, ખાડીયા વિસ્તાર તેમજ ફ્ણિાવ ભાગોળના મેદાન સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. કેટલાક રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસી જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. સતત વરસાદના કારણે દૈનિક જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી અને કેટલીક જગ્યાએ તારાજી જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. જોકે, વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક બની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે તેમજ જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક સહાય મળી રહે તે માટે કામગીરી હાથ ધરી છે. સ્થાનિક લોકોને પણ બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો