કપડવંજ નાગરિક સમિતિ દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપની લિ.ના શહેર પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરને રૂબરૂ મળી પાલિકા વિસ્તારના નાગરિકોને પડી રહેલી વારંવાર વીજ પુરવઠાની સમસ્યાઓ અંગે વિગતવાર લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી દર શુક્રવારે મેન્ટેનન્સના નામે અંદાજે છ કલાક સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવે છે. ઉપરાંત વરસાદી મોસમ શરૂ થયા બાદ રાત્રિના સમયે પણ વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતાં સામાન્ય નાગરિકો, નાના બાળકો, વિદ્યાર્થીઓ, વડીલો, ગર્ભવતી મહિલાઓ તેમજ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. નાગરિક સમિતિએ રજૂઆત કરી હતી કે જો નિયમિત મેન્ટેનન્સ કરવામાં આવતી હોય તો વરસાદ શરૂ થતાં જ વારંવાર વીજ પુરવઠો ખોરવાય તે ચિંતાનો વિષય છે. વરસાદી મોસમ દરમિયાન સતત અને નિયમિત વીજ પુરવઠો મળી રહે તે માટે જરૂરી ટેકનિકલ સુધારાઓ કરવામાં આવે તેમજ રાત્રિના સમયે વીજ પુરવઠો ખોરવાય ત્યારે તાત્કાલિક મરામત માટે અસરકારક ટીમ કાર્યરત રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો