મહેમિયાદના નેનપુરથી હલધરવાસ તરફ્ જતા માર્ગ પર ઘોડાલીના આંબલી પાટિયા પાસે છેલ્લા એક મહિનામાં 20થી વધુ અકસ્માતો સર્જાયા હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. રોડની ખસ્તાહાલ સ્થિતિને કારણે વાહનચાલકો માટે આ માર્ગ જોખમી બન્યો છે. ખાસ કરીને દ્વિ-ચક્રી વાહનચાલકો અકસ્માતનો વધુ ભોગ બની રહ્યા છે. મહેમિયાદ તાલુકાના નેનપુર થી હલધરવાસ તરફ્ના ઘોડાલી ગામના આંબલી પાટિયા નજીકના સ્ટેટ હાઇવેનો રસ્તો ખુબજ ખરાબ હાલતમાં આવી ગયો છે. રોડ ઉપર જાણે આડી ગીસીઓ પડી ગઈ છે જેને કારણે એક તરફ્ના રોડનો સ્થાનિકો ઉપયોગ જારવાથી પણ બચે છે. આ રોડ ઉપર રોજના હજજારો વાહનોની આવન જાવન રહે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આંબલી પાટિયા નજીકનો રસ્તો લાંબા સમયથી બિસમાર હાલતમાં હોવાથી સામાન્ય ઝડપે વાહન ચલાવવું પણ મુશકેલ બન્યું છે. 30 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે વાહન પસાર થાય ત્યારે વાહન ફ્ંગોળાઈ જવાની સ્થિતિ સર્જાય છે અને અચાનક સંતુલન ગુમાવતા અકસ્માત થાય છે. દ્વિચક્રી વાહનો ઉપરાંત ફોર વ્હીલર વાહનો પણ રોડની સાઈડમાં ઉતરી જવાના બનાવો બની રહ્યા છે. છેલ્લા એક મહિનામાં અનેક અકસ્માતોમાં લોકો ઈજાગ્રસ્ત થઈ હોસ્પિટલ સુધી પહોંચ્યા હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. તેમ છતાં માર્ગ-મકાન વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા રસ્તાની યોગ્ય મરામત કે પુનઃનિર્માણ માટે કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ છે. સ્થાનિકોનો સવાલ છે કે વધુ કોઈ જાનહાનિ થાય તેની રાહ જોવાઈ રહી છે કે શું ? તંત્ર તાત્કાલિક સ્થળનું નિરીક્ષણ કરી રસ્તાનું મજબૂત સમારકામ કરાવે અને અકસ્માતો અટકાવવા જરૂરી પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.
