આજે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાશે. અમૂલ ડેરીની સત્તા કોના હાથમાં આવશે તે બાબતે ખેડૂતોમાં ભારે ઉત્તેજના છે. ડેરીનું ચેરમેન પદ ક્ષત્રિયને ફાળવવામાં આવે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. સામાન્ય ચૂંટણીના 96 દિવસ બાદ આજે બપોરે બાર વાગ્યાની આસપાસ અમૂલ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેન માટેની ચૂંટણી યોજાશે.


બન્ને પદ ઉપર સર્વાનુમતે વરણી કરાશે

ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ- અમૂલ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે ડેરીના મુખ્યાલયે બપોરે 12 વાગ્યે ચૂંટણી પ્રક્રિયા યોજાશે. જો કે પ્રદેશ મોવડી દ્વારા બન્ને મહત્વના પદ માટે મેન્ડેટ ફાળવીને પ્રક્રિયા આટોપવામાં આવશે. 17 ડેરી સંઘના સભ્યો પૈકી 15 સભ્યો સાથે ભાજપની સ્પષ્ટ બહુમતિ હોય ચૂંટણી પ્રક્રિયા માત્ર ઔપચારિક બની રહેશે. ચેરમેન અને વાઈસ ચેરમેન બન્ને પદ ઉપર સર્વાનુમતે વરણી કરાશે. હાલમાં સત્તારૂઢ ચેરમેન અને વાઈસ ચેરમેનના સ્થાને નવા ચહેરાને સ્થાન આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સહકારી ક્ષેત્રના રાજકારણમાં ચર્ચામાં છે.

સર્વાનુમતે બિનહરીફ વરણી કરાય તેવી શક્યતાઓ

અમૂલ ડેરીના નિયામક મંડળની 12મી સપ્ટેમ્બરે ચૂંટણી પૂર્ણ થતા ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીની અટકળો તેજ બની હતી. ડેરી સંઘના ઈતિહાસમાં ભાજપને પ્રથમ વખત સ્પષ્ટ બહુમતિ મળી હોવાથી બન્ને પદ માટે પ્રદેશ કક્ષાએથી નક્કી કરેલા ઉમેદવારનું મેન્ડેટ મોકલીને તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સને વ્હીપ આપીને સર્વાનુમતે બિનહરીફ વરણી કરાય તેવી શક્યતાઓ છે. શરૂઆતના તબક્કામાં અનેક દાવેદારોએ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે રાજકીય ગોડ ફાધરોનું શરણ લઈ લોબિંગ કર્યુ હતું.પરંતુ ચૂંટણી પ્રક્રિયા ખેંચાતા દાવેદારો પણ પ્રતિક્ષા કરીને થાક્યા હતા. ત્યારે અચાનક આજે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાતા દાવેદારોએ પદ મેળવવાના સપના જોવાના શરૂ કર્યા છે.


આ પણ વાંચોઃ Deesa: ભીલડી પાર્શ્વનાથ ભગવાનની જન્મ કલ્યાણ દિવસ નિમિતે ભવ્ય લોક મેળો ભરાયો

  • Follow us on: