Khedaના કપડવંજમાં કાળજું કંપાવતી ઘટના, બે પુત્રીઓ સાથે પરિણીતાએ નહેરમાં ઝંપલાવ્યું, પાછળ પતિએ પણ લગાવી છલાંગ
કપડવંજ તાલુકાના ફતિયાવાદ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં આજે એક પરિણીતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે મોતની છલાંગ લગાવી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, પરિણીતાએ પહેલા પોતાની બંને પુત્રીઓને નહેરના ઊંડા પાણીમાં ફેંકી હતી અને ત્યારબાદ પોતે પણ પુલ પરથી કૂદી પડી હતી. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
પત્ની અને બાળકોને બચાવવા જતાં પતિ પણ નહેરમાં કૂદ્યો
આ ઘટનાની જાણ થતા જ પરિણીતાનો પતિ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોતાની નજર સામે પત્ની અને સંતાનોને ડૂબતા જોઈ વ્યાકુળ થયેલા પતિએ પણ તેમને બચાવવાના આશયથી નહેરના વહેતા પાણીમાં ઝંપલાવ્યું હતું. જોકે, નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી અને પાણી ઊંડું હોવાને કારણે પતિ, પત્ની અને બંને પુત્રીઓ એમ આખો પરિવાર જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા મોટાપાયે સર્ચ ઓપરેશન
કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ અને આતરસુંબા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થાનિક તરવૈયાઓની મદદથી પરિવારના સભ્યોને શોધવા માટે નહેરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ પરિવારે કયા સંજોગોમાં અને કયા કારણોસર આટલું આત્મઘાતી પગલું ભર્યું તે જાણી શકાયું નથી. પોલીસે પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ અને તપાસ શરૂ કરી છે. એકસાથે આખા પરિવારના ડૂબવાની ઘટનાથી સમગ્ર ખેડા જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો