ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાઠવાડી ગામમાં સિંચાઈ વિભાગની સરકારી જમીન બારોબાર વેચી મારવાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને વ્યવસાયે શિક્ષક એવા આશિષ પટેલની મહેમદાવાદ પોલીસે 56 દિવસની લાંબી શોધખોળ બાદ ધરપકડ કરી છે. કાયદાના રક્ષક ગણાતા શિક્ષકે જ કાયદાની વિરુદ્ધ જઈને સરકારી મિલકત હડપવાનું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે.

આરોપી શિક્ષક આશિષ પટેલની ધરપકડ

આરોપીઓએ મહેમદાવાદના વાઠવાડી વિસ્તારમાં આવેલી સિંચાઈ વિભાગની કિંમતી જમીન ખોટા દસ્તાવેજોના આધારે બારોબાર વેચી દીધી હતી. આ કૌભાંડમાં કુલ 8 શખ્સોની સંડોવણી હોવાનું ખુલ્યું હતું. જેમાંથી માસ્ટર માઈન્ડ આશિષ પટેલ સહિત અત્યાર સુધીમાં 5 આરોપીઓ પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે. બાકી રહેલા આરોપીઓ પૈકી 1 આરોપીનું મૃત્યુ થયું છે, જ્યારે 1 આરોપી હાલ ધરપકડથી બચવા હાઈકોર્ટના શરણે ગયો હોવાનું જાણવા મળ્યું છે.

8 પૈકી 5 આરોપીઓ અત્યાર સુધી ઝડપાયા

આરોપી આશિષ પટેલ કૌભાંડ બહાર આવ્યા બાદ છેલ્લા બે મહિનાથી પોલીસને થાપ આપી રહ્યો હતો. જોકે, મહેમદાવાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તેને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ ધરપકડ બાદ જમીન કૌભાંડના અન્ય પાસાઓ અને તેમાં સંડોવાયેલા અન્ય મળતિયાઓના નામ પણ બહાર આવવાની શક્યતા છે. સરકારી જમીનો પર ડોળો માંડીને બેઠેલા ભૂમાફિયાઓ અને ભ્રષ્ટ તત્વો માટે આ કાર્યવાહી એક કડક ચેતવણી સમાન છે. હાલ પોલીસ આશિષ પટેલના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો