મહેમદાવાદ તાલુકાના કારછાઈથી કતકપુરા તરફ્ જતી માઇનોર કેનાલને લઈને સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા સિંચાઈ માટે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી આ કેનાલમાં નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદથી આજ દિન સુધી કેનાલનું એક ટીપું પણ પાણી આવ્યું નથી. તેમજ કરોડોના ખર્ચે બનેલી કેનાલમાં પાણી છોડયા પહેલા કેનાલ તૂટવા લાગી છે. પરિસ્થિતિ એવી બની છે કે ખેડૂતો હવે પોતાના બોરવેલનું પાણી કેનાલમાં છોડીને ખેતરો સુધી પહોંચાડવા મજબૂર બન્યા છે. મહેમદાવાદ તાલુકાના કારછાઈ ગામથી કતકપુરા તરફ્ જતા કરોડોના ખર્ચે બનેલી કેનાલમાં વર્ષોથી એક ટીપુય પાણી આવતું નથી તેમ છતાં આ કેનાલનું નવીનીકરણ કરી કરોડો રૂપીયાનો વ્યય કરવામાં આવ્યો છે. કેનાલ બન્યાના ગણતરીના દિવસોમાં કેનાલ તૂટવા લાગી છે. માટે જ સ્થાનિકોનો આક્ષેપ છે કે કેનાલના નિર્માણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં ખેડૂતોને તેનો કોઈ લાભ મળ્યો નથી. જેના કારણે સરકારી નાણાં અને જનતાના ટેક્સના રૂપિયાનું વ્યાપક પ્રમાણમાં વેડફટ થયો હોવાનું લોકો માની રહ્યા છે. ગ્રામજનોએ માંગ કરી છે કે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરી ખર્ચાયેલ રકમની વસૂલાત કરવામાં આવે. સાથે જ કેનાલમાં નિયમિત પાણી છોડીને ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: