ખેડા જિલ્લામાં અકસ્માતો સર્જાવાનો સિલસિલો યથાવત્ રહેવા પામ્યો છે. અમદાવાદ-કઠલાલ ચોકડી પરથી પસાર એક પિતા-પુત્ર બાઈક પર પસાર થઈ રહ્યા હતા. દરમિયાન કટ આગળ સામેથી બાઈક આવતું હોઈ પુત્રએ બાઈકને બ્રેક લગાવતા સ્લીપ ખાઈ ગઈ હતી. જેના કારણે પુત્રને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજયું હતું, જ્યારે પિતાને શરીરે ઈજા પહોંચવા પામી હતી.
કઠલાલ તાલુકાના કઠાણાની મુવાડીમાં રહેતા કાળાભાઈ અદાભાઈ પરમારને દવા લેવા માટે કઠલાલ દવાખાને જવાનું હોવાથી તેમના પુત્ર રાકેશ (ઉં.વ.33) સાથે ગયા હતા. કઠલાલ ચોકડીથી આગળ અમદાવાદ રોડ તરફ હોસ્પિટલનો કટ વળવા જતા સામેથી અમદાવાદ તરફથી એક બાઈક ચાલક આવતો હોવાથી રાકેશે બાઈકને બ્રેક લગાવી હતી. જેના કારણે બાઈક સ્લીપ ખાઈ જતા પિતા - પુત્ર ભોંય પટકાતા ઈજા પહોંચી હતી. જેથી કાળાભાઈએ 108 મારફતે પુત્ર રાકેશને સારવાર માટે કઠલાલની હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં દાખલ કર્યો હતો. પણ ત્યાં દવાનો ખર્ચો વધુ હોવાના કારણે તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રાન્સફર કર્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેમના પુત્રનું મોત નિપજયું હતું. પુત્રની અંતિમક્રિયા બાદ પિતાએ બનાવ મામલે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત અકસ્માતના અન્ય ચાર બનાવમાં દસ લોકોને ઈજા પહોંચવા પામી હતી. જેમાં માતરના આંત્રોલી રોડ પર છોટાહાથીએ બાઈકને ટકકર મારતાં ચાલકને ઈજા, સેવાલિયા માલવણ રોડ પર બે બાઈકો વચ્ચે અકસ્માતમાં ત્રણને ઈજા, ડાકોર સેવાલિયા રોડ પર ગળતેશ્વરના અંઘાડી નજીક એક્ટીવા અને બાઈક વચ્ચે અકસ્માતમાં ચારને ઈજા, અને મહુધા કઠલાલ રોડ પર ડમ્પરે અમુલ દૂધના ટેન્કરને સામેથી ટકકર મારતાં બંને વાહનચાલકોને ઈજા પહોંચતા જે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લામાં છાસવારે જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. માંતેલી સાંઢની જેમ દોડતા વાહનો નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યાં છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્રની નિરસ કામગીરીના કારણે બેફામ વાહન ચાલકોને મોકળુ મેદાન મળ્યું હોવાની લોકોમાં ચર્ચાઓ ઊઠી રહી છે. આવા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.










