વીર ભાથીજી મહારાજની પવિત્ર શૌર્યભૂમિ અને નવરચિત ફાગવેલ તાલુકા મથક ખાતે 80મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી. સાંસદ દેવુસિંહ ચૌહાણ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પરેડ નિરીક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વૃક્ષારોપણ યોજાયા હતા.  

કલેક્ટરે જિલ્લા આયોજન અધિકારીને રૂ.25 લાખનો ચેક અર્પણ કર્યો હતો. સાથે જ ક્કવિકાસની ઝાંખી-ખેડા જિલ્લો 2026 પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. સ્વાતંર્ત્ય સેનાનીઓના બલિદાનને યાદ કરતાં કલેક્ટરે ખેડા જિલ્લો આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે તાજેતરના ભારે વરસાદ દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન હેઠળ જાનમાલના વળતર પેટે રૂ.47 લાખથી વધુની સહાય ચૂકવાઈ છે. આરોગ્ય ક્ષેત્રે 10.12 લાખથી વધુ PMJAY આયુષ્માન કાર્ડ જારી કરાયા છે. શિક્ષણ ક્ષેત્રે 23 હજારથી વધુ બાળકોનું નામાંકન થયું છે, જ્યારે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો 42 હજારથી વધુ દીકરીઓને લાભ મળ્યો છે. રોજગાર ક્ષેત્રે 14 રોજગાર મેળાઓ મારફ્તે 2615 યુવાનોને રોજગારી મળી છે. વાઇબ્રન્ટ સમિટ હેઠળ ?1763 કરોડના 43 એમઓયુ થયા છે. PM કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 1180 કરોડથી વધુ જમા કરાયા છે. રમતગમત સહિત વિવિધ ક્ષેત્રે શ્રોષ્ઠ પ્રદર્શન કરનાર 91 ખેલાડીઓ અને પ્રતિભાઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. ફાગવેલ ખાતેના સમારોહમાં ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, પોલીસ અધિક્ષક વિજય પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, નાયબ નિવાસી અધિક કલેક્ટર જે. બી. દેસાઈ, કપડવંજ પ્રાંત અધિકારી એ. પી. ઝાલા સહિત જિલ્લા વહીવટી તંત્રના તમામ મુખ્ય અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, મહાનુભાવો, નાગરીકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહ્યા હતા.