યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ગુરૂપૂર્ણિમા પર્વ નિમિતે બુધવારે વહેલી સવારે થીજ ભકતોનું ઘોડાપૂર ઊમટયું હતું.મંદિરમાં સાક્ષાત બિરાજમાન જગતગુરૂ ભગવાન રણછોડરાયજીના દર્શનાર્થે મંગળાદર્શનથી શયન દર્શન સુધી અવિરત ભકતોનો પ્રવાહ રહ્યો હતો. અઢી લાખથી વધુ દર્શનાર્થીઓએ શ્રીજીના ગુરૂભાવ સાથે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આખો દિવસ શ્રાધ્ધાળુઓના જયરણછોડ ના નાદથી મંદિરનું વાતાવરણ ગુંજતું રહ્યું હતું. મંદિરમાં મંગળાઆરતી ના દર્શન માટે મંદિરના મુખ્યદ્વાર પાસે સવારે 4.30 વાગ્યાના ભકતો જગતગરૂ ભગવાન દ્વારકાધિશ (રણછોડરાયજી)ના દર્શનાર્થે ગોઠવાઇ ગયા હતા. ભકતો ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ જેવા ભજનિયા ગાઇ રહ્યા હતા. સવારે 5.15 કલાકે મંગળા આરતી સમયે દર્શનાર્થીઓનો ભારે ધસારો જેવા મળ્યો હતો. મંગળા દર્શન 30 હજારથી વધુ ભકતોએ કર્યો હતો. ત્યાર બાદ આખો દિવસ ભકતોનો અવિરત પ્રવાહ રહ્યો હતો.યાત્રાધામમાં માનવ મહેરામણથી ઉભરાઇ ગયો હતો. નગરમાં પ્રવેશ માર્ગો ઉપર જયાં જુઓ ત્યાં ભકતો દેખાઇ રહ્યા હતા. ભકતોએ ભગવાનના ગુરૂભાવ સાથે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સાંજે સુધીમાં અંદાજે અઢી લાખથી વધુ ભકતોએ દર્શનનો લાભ લીધો હતો. નગરમાં આખો દિવસ ભકતોની અવરજવરને લઇને અમુક વિસ્તારના માર્ગો ઉપર ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઇ હતી. ડાકોર નગર સવારથી રાત્રે મંદિર બંધ થતાં સુધી ભકતોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો.
