ખેડા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તેમજ ગુનાખોરી ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત સતર્કતા દાખવવામાં આવી રહી છે. જે અંતર્ગત સેવાલીયા પોલીસ દ્વારા મહારાજના મુવાડા ખાતે આવેલી નવી પોલીસ ચેક પોસ્ટ પર સઘન વાહન ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર હથિયાર અને જીવતા કારતુસ સાથે મહારાષ્ટ્રના બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય બહારથી આવતા વાહનો મારફ્તે થતી ગેરકાયદેસર હથિયારો અને વિદેશી દારૂ જેવી પ્રતિબંધિત ચીજવસ્તુઓની હેરાફેરી અટકાવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સરહદી વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ કરવાની કડક સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે સેવાલીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.કે. કાંબડ અને તેમની સ્ટાફ્ ટીમ મહારાજના મુવાડા ખાતે આવેલી નવી ચેક પોસ્ટ પર ખડેપગે રહીને પસાર થતા તમામ નાના-મોટા વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરી રહી હતી..ચેકિંગની આ કામગીરી દરમિયાન ગોધરા તરફ્થી આવતી માતૃકૃપા ટ્રાવેલ્સની લક્ઝરી બસને રોકીને તેમાં મુસાફરીકરી રહેલા શંકાસ્પદ વ્યક્તિઓ અને તેમના સામાનની તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન બસમાં સવાર બે શખ્સોની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તેમની સઘન તપાસ કરી હતી. પૂછપરછમાં આ બંને ઈસમો મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના શિરપુર તાલુકાના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું જેમાં મીંકુ દેવસિંહ પાવરા (રહે. જોયદા, પો. સાગવી, તા. શિરપુર, જિ. ધુલિયા, મહારાષ્ટ્ર) અને સતીષ લક્ષ્મણ પાવરા (રહે. ખંબાલા, તા. શિરપુર, જિ. ધુલિયા, મહારાષ્ટ્ર) નો સમાવેશ થાય છે. પોલીસે બંને શખ્સોની અંગઝડતી લેતા તેમની પાસેથી કોઈ પણ જાતના પાસ કે પરમિટ વગરની ગેરકાયદેસર ભારતીય બનાવટની લોખંડની મેગ્ઝિનવાળી પિસ્તોલ નંગ-1 કિંમત રૂ. 25,000 તેમજ જીવતા કારતુસ નંગ-2 કિંમત રૂ. 200 મળી આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે તેમની પાસેથી એક મોબાઈલ ફોન કિંમત રૂ. 3,000, રોકડ રકમ રૂ. 1,070/- મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 29,270/- નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને કોને પહોંચાડવાનું હતું તે દિશામાં પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવવા સહિતની વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
