કપડવંજ પંથકમાં છેલ્લા બે દિવસ દરમિયાન મેઘરાજાએ જોરદાર મહેર વરસાવતાં આશરે આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ વરસાદ સાથે ચાલુ ચોમાસાની સિઝનનો કુલ વરસાદ અંદાજે 25 ઇંચ સુધી પહોંચી ગયો છે. કપડવંજમાં સતત અને અતિશય વરસાદના કારણે શહેરમાં જર્જરિત ઇમારતો અને દીવાલો ધરાશાયી થવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. સુભાષચોક વિસ્તારમાં અગાઉ પડી ગયેલા મકાનની જર્જરિત દીવાલ અચાનક જાહેર માર્ગ પર ધરાશાયી થતાં જાનહાનિની આશંકા ઉભી થઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. વિસ્તારના રહિશોએ વોર્ડ નં. 5ના નગરપાલિકા સભ્ય સિદ્ધાંત મહેતાને જાણ કરતાં તેમણે તાત્કાલિક નગરપાલિકાનો સંપર્ક કરી જેસીબી અને ટ્રેક્ટરની વ્યવસ્થા કરાવી હતી. ત્યારબાદ સ્થળ પર પહોંચી કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના કર્મચારીઓ પણ જરૂરી સાધનો સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. જેના કારણે જાહેર માર્ગ ફરી ખુલ્લો બન્યો અને રાહદારીઓ તેમજ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભારે વરસાદને પગલે કપડવંજમાં છેલ્લા 10 દિવસમાં ત્રીજી ઘટના બની છે. શનિવારની રાત્રે મીના બજાર વિસ્તારમાં ફાયર સ્ટેશનની દીવાલ પણ ધરાશાયી થઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો