મહેમિયાદના હલધરવાસ નજીક કોઠીપુરા ખાતે વાત્રક નદીના કિનારે આવેલા અતિ પ્રાચીન શ્રી પરાસર મહાદેવ મંદિરે શ્રાવણ અમાસને લઈને ભક્તિમય માહોલ છવાયો છે. પવિત્ર પર્વ નિમિત્તે ગતરોજ અમાસે શિવલિંગ પર 1108 ઘડા દ્વારા જળાભિષેક કરવામાં આવ્યો હતો. અમાસ નિમિત્તે મંદિર ખાતે મેળો પણ યોજાશે, જ્યારે વાત્રક નદીમાં પવિત્ર સ્નાનનું પણ વિશેષ ધાર્મિક મહત્ત્વ માનવામાં આવે છે. પૌરાણિક અને ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન મહેમિયાદ તાલુકાના પરાસર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ અમાસ નિમિત્તે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. વાત્રક નદીના કિનારે આવેલા આ પ્રાચીન મંદિરનું ધાર્મિક મહાત્મ્ય અનેક માન્યતાઓ સાથે જોડાયેલું છે. મંદિર નજીકથી વાત્રક નદી ઉગમણી દિશામાં વહેતી હોવાથી સ્થળની વિશેષતા વધુ વધી જાય છે. સ્થાનિક પૌરાણિક માન્યતા મુજબ, આ પવિત્ર સ્થળે સપ્તઋષિઓએ તપસ્યા કરી હતી અને તેમની તપસ્યાની નિશાનીઓ આજે પણ અહીં જોવા મળતી હોવાની શ્રાદ્ધા છે. શ્રાવણ અમાસના પાવન દિવસે 1108 ઘડા દ્વારા કરવામાં આવેલા જળાભિષેકમાં ભક્તોએ શ્રાદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. અમાસને લઈને મંદિર પરિસરમાં આજે મેળો પણ ભરાશે. સાથે જ વાત્રક નદીમાં સ્નાન કરવાનો પણ વિશેષ મહિમા માનવામાં આવતો હોવાથી મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતા છે. આસ્થા, પરંપરા અને પૌરાણિક માન્યતાઓનો અનોખો સંગમ ધરાવતું પરાસર મહાદેવ મંદિર શ્રાવણ અમાસે ભક્તિમય બન્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો