મહુધા તાલુકાના અલીણા ગામમાં ડોહળા અને અશુદ્ધ પીવાના પાણીની લાંબા સમયથી ચાલતી સમસ્યાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.મહિલાઓ તાલુકા પંચાયત કચેરીએ પહોંચી તલાટી સહિતના અધિકારીઓનો ઘેરાવો કરી ઉગ્ર રજૂઆત કરી હતી. વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા મહિલાઓએ માત્ર આશ્વાસન નહીં, પરંતુ શુદ્ધ પાણીની કાયમી વ્યવસ્થા કરવાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. અલીણા ગામમાં છેલ્લા ઘણા સમયથી નળ દ્વારા ડોહળું અને પીવા અયોગ્ય પાણી મળતું હોવાના કારણે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મહિલાઓના જણાવ્યા મુજબ અશુદ્ધ પાણીના કારણે બાળકો અને વૃદ્ધોના આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે, ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ગ્રામ પંચાયત સમક્ષ અનેક વખત રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી અને માત્ર વચનો જ આપવામાં આવ્યા છે. ગ્રામજનોએ ધાચીયા કૂવામાંથી પાણી પુરવઠો શરૂ કરવામાં આવે તો સમગ્ર ગામને શુદ્ધ પાણી મળી શકે તેમ હોવા છતાં આ દિશામાં પણ કોઈ ગંભીર પ્રયાસ ન કરાયો હોવાનું જણાવ્યું હતું. તાલુકા પંચાયત કચેરીમાં મહિલાઓએ તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો