ખેડા જિલ્લા વન વિભાગની ઘોર લાપરવાહીના પરિણામે સમગ્ર જિલ્લામાં બેફામ વૃક્ષ છેદન અને લાકડાનો ગેરકાયદે વેપાર ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે. નડિયાદના કમળા ચોકડી રિંગરોડ ગ્રાઉન્ડ પર રોજ વહેલી સવારે કોઈ પણ મંજૂરી કે પાસ વિના 500 થી વધુ ટ્રેક્ટર અને 100 થી વધુ ટ્રકો લાકડા ભરીને ઠલવાઈ રહ્યા છે. પરવાના વગર સરેઆમ ચાલતી આ હરાજી અને ગેરકાયદેસર હેરાફેરી સામે વહીવટી તંત્ર અને આરટીઓ વિભાગ આંખ આડા કાન કરી રહ્યા છે. હરિયાળા વૃક્ષોના અંધાધૂંધ નિકંદનથી ખેડા જિલ્લાનું ગ્રીન કવર નષ્ટ થઈ રહ્યું છે અને પર્યાવરણ સામે ગંભીર ખતરો ઉભો થયો છે. બેરોકટોક ચાલતા આ વૃક્ષ છેદનને સત્વરે ડામવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભયંકર ગરમી અને અનિયમિત વરસાદ જેવી વિકટ સ્થિતિનો સામનો કરવો પડશે. ખેડા જિલ્લા વન વિભાગની ગંભીર બેદરકારી અને નિષ્કાળજીને કારણે જિલ્લાભરમાં બેફામ વૃક્ષ છેદનની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને જિલ્લાના વડામથક નડિયાદમાં રાતના અંધારાની આડમાં કપાયેલા વૃક્ષોનો મોટો અને ગેરકાયદે વેપાર ધમધમી રહ્યો છે. વન વિભાગના કર્મચારીઓની ગેરહાજરી અથવા લાપરવાહીના કારણે ગેરકાયદેસર રીતે વન સંપદાને નષ્ટ કરવામાં આવી રહી છે અને નિયમોને નેવે મૂકીને લાકડાનું ખુલ્લેઆમ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. સ્થળ પર ભયજનક રીતે ઓવરલોડ થયેલી ટ્રકો અને ટ્રેક્ટરો મોટા પ્રમાણમાં લાકડા ભરીને આવી રહ્યા છે પરંતુ આ લાકડા ભરીને આવતા કોઈપણ વાહનચાલક પાસે વન વિભાગ કે આરટીઓ વિભાગની કોઈપણ પ્રકારની મંજૂરી કે પાસ હોતો નથી. માત્ર નડિયાદ શહેરમાં જ 500 થી વધુ ટ્રેક્ટરો અને 100 થી વધુ ટ્રકો લાકડા ભરીને ધસી આવે છે અને આ તમામ ગેરકાયદે વાહનોનું કમળા ચોકડી પાસે આવેલા રિંગરોડના ગ્રાઉન્ડ પર સરેઆમ હરાજી દ્વારા વેચાણ કરવામાં આવે છે. હરરોજ વહેલી સવારે આટલો મોટો અને ગેરકાયદે વેપાર બેરોકટોક થતો હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર જાણે આંખો બંધ કરીને સૂઈ રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આટલા મોટા પ્રમાણમાં થઈ રહેલા અંધાધૂંધ વૃક્ષ છેદનને કારણે સ્થાનિક વાતાવરણ અને પર્યાવરણ ઉપર અત્યંત વિપરીત અસરો પડી રહી છે જેને કારણે સમય જતાં ગરમીમાં થતો સતત વધારો અને અનિયમિત વરસાદ જેવી ગંભીર સમસ્યાઓ સર્જાય છે. વારંવાર પર્યાવરણને નુકસાન પહોંચાડયા બાદ વરસાદ નહીં પડવાની કે ગરમી વધવાની ફરિયાદો કરવી કેટલી હદે વ્યાજબી છે તેવો સવાલ પર્યાવરણવિદો અને જાગૃત નાગરિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ જ સઘન પગલાં લેવામાં આવતા નથી. ખેડા જિલ્લાનું ગ્રીન કવર જે રીતે નષ્ટ થઈ રહ્યું છે તે જોતા આગામી પેઢી માટે શુદ્ધ હવા પણ એક મોટો પ્રશ્ન બની જશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો