ખેરાલુ-સતલાસણા હાઈવે પર સાંઈબાબા મંદિર સામે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલક GRD જવાનનું ઘટનાસ્થળે જ મોતનીપજ્યું હતું. આ બનાવને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, સતલાસણા તાલુકાના નિઝામપુરા ગામના વતની દશરથભાઈ નાનજીભાઈ પરમાર (ઉં.વ. 41) ખેરાલુ પોલીસ સ્ટેશનમાં GRD જવાન તરીકે ફરજ બજાવતા હતા. ગતરોજ તેઓ ખેરાલુ ખાતે ફરજ પૂર્ણ કરી બાઈક પર પોતાના વતન નિઝામપુરા પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ખેરાલુ નજીક સાંઈબાબા મંદિર સામે પૂરઝડપે આવી રહેલી કાર સાથે તેમની બાઈક અથડાઈ હતી. અકસ્મતમાં દશરથભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં આસપાસના લોકોનાં ટોળાં ઘટનાસ્થળે એકત્ર થઈ ગયાં હતાં. બીજી તરફ્, જાણ થતાં ખેરાલુ પોલીસનો કાફ્લો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પંચનામું કર્યા બાદ પોસ્ટમોર્ટમ અર્થે ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલમાં ગમગીની છવાઈ ગઈ હતી. હાલ ખેરાલુ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો