ખેરાલુ શહેરમાં નગરપાલિકાની બેદરકારીના કારણે એક મોટો અકસ્માત ટળ્યો હતો. શીત કેન્દ્ર નજીક બસ સ્ટેન્ડથી હાઈવે પર ચડતી થરાદ-ગાંધીનગર રૂટની એસટી બસ (નં. GJ-18 - Z-1029) રસ્તા વચ્ચે પડેલા મોટા ખાડા (ભુવા)માં ફ્સાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં ગટર લાઈનનું કામ કરાયું હતું. જોકે, કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તાનું યોગ્ય રીતે પુનઃસ્થાપન કરવામાં ન આવતાં મોટો ખાડો રહી ગયો હતો. બસ હાઈવે પર ચડતી વખતે આગળનું ટાયર ખાડામાં ઉતરી જતાં બસ ફ્સાઈ ગઈ હતી. સદનસીબે બસના ડ્રાઈવરની સમયસૂચકતા અને સતર્કતાના કારણે બસમાં સવાર 32 મુસાફરોને કોઈપણ પ્રકારની ઈજા પહોંચી ન હતી. બાદમાં ક્રેનની મદદથી બસને ખાડામાંથી બહાર કાઢી ફરી ગાંધીનગર જવા રવાના કરવામાં આવી હતી.