ખેરાલુ પંથક અને તેની આસપાસના માર્ગો પરથી બેફમ ગતિએ પસાર થતા અને નિયમોનું ઉલ્લંઘન કરતા ઓવરલોડ ડમ્પરો સામે મહેસાણા આરટીઓ (RTO) તંત્ર દ્વારા કડક હાથે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. 'સંદેશ' દ્વારા આ જોખમી ડમ્પરો અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ સફળા જાગેલા તંત્રએ દોડતા થઈને સપાટો બોલાવ્યો છે. આરટીઓની આ આકસ્મિક કાર્યવાહીને પગલે નિયમભંગ કરતા વાહનચાલકો અને ભૂમાફ્યિાઓમાં ભારે ફ્ફ્ડાટ વ્યાપી ગયો છે.
મળતી માહિતી મુજબ, ખેરાલુ પંથકમાંથી પસાર થતાં ઓવરલોડ આઈવા ડમ્પરો સામે મહેસાણા આરટીઓ એ લાલ આંખ કરી હતી. ચેકિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ માલ ભરેલા 4 ડમ્પરોને ઝડપી પાડી સ્થળ પર જ રૂ. 40,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા એક ડમ્પરને ડિટેઈન કરી ખેરાલુ પોલીસ સ્ટેશન ખાતે મૂકી દેવામાં આવ્યું હતું અને તેને રૂ. 88,000 હજારનો તોતિંગ દંડ ફ્ટકારવામાં આવ્યો છે. આમ, આરટીઓ તંત્રએ કુલ મળીને રૂ.1,28,000થી વધુની દંડાત્મક વસૂલાત કરી છે.










