ખેરાલુ સહિત આસપાસના તાલુકાઓમાં દિવેલાના પાકમાં ઘોડિયા ઈયળનો ઉપદ્રવ જોવા મળતાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને તેના નિયંત્રણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ઈયળના ઉપદ્રવથી દિવેલાના છોડ પાનવિહોણા બની જતાં ઉત્પાદન પર વિપરીત અસર થવાની શક્યતા હોવાથી સમયસર નિયંત્રણના પગલાં લેવા ખેડૂતોને અપીલ કરાઈ છે.મદદનીશ ખેતી નિયામક, પેટા વિભાગ, ખેરાલુની અખબારી યાદી મુજબ ચાલુ વર્ષે ખેરાલુ તાલુકામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં દિવેલાનું વાવેતર કર્યું છે. જિલ્લામાં આગોતરા વાવેતરને પગલે હાલ દિવેલાના પાકમાં ઘોડિયા ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગરમ અને ભેજવાળા વાતાવરણમાં આ જીવાતનો ઉપદ્રવ વધે છે. આ ઈયળો દિવેલાનાં કુમળાં પાન અને પાનની નસો સિવાયનો લીલો ભાગ ખાઈ જતી હોવાથી છોડ પાનવિહોણા બની ઝાંખરા જેવા દેખાય છે. ઉપદ્રવ વધુ હોય તો દિવેલાની માળને પણ નુકસાન પહોંચે છે, જેના પરિણામે ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે.આ જીવાતના નિયંત્રણ માટે ખેતીવાડી વિભાગે ખેડૂતોને ખેતરમાં પક્ષીઓ બેસી શકે તે માટે આશરે 40 ટેકા ઊભા કરવા, પ્રતિ એકરે એક કિલો મમરા અથવા રાંધેલા ભાત ખેતરમાં છૂટા નાખવા તેમજ ફૂંદાને આકર્ષવા પ્રકાશપિંજર ગોઠવવાની ભલામણ કરી છે.વધુમાં રાસાયણિક નિયંત્રણ માટે 20 લીટર પાણીમાં ક્લોરપાયરીફેસ 20 ઇ.સી. સાથે સાયપરમેથ્રીન 5 ઇ.સી. અથવા પ્રોફેનોફેસ 40 ઇ.સી. સાથે સાયપરમેથ્રીન 

4 ઇ.સી.નું મિશ્રણ 30થી 40 મિલીલીટરના પ્રમાણમાં ભેળવી છંટકાવ કરવા સૂચવાયું છે. આ ઉપરાંત એમામેક્ટીન બેન્ઝોએટ 10 ગ્રામ પ્રતિ 20 લીટર પાણીમાં ભેળવીછંટકાવ કરવાની પણ ભલામણ કરાઈ છે. શક્ય હોય ત્યાં સુધી દવાનો છંટકાવ સવાર અથવા સાંજના સમયે કરવો હિતાવહ હોવાનું યાદીમાં જણાવાયું છે.દિવેલાના પાકને નુકસાનથી બચાવી ઉત્પાદન જાળવી રાખવા ખેડૂતોને સમયસર નિયંત્રણના પગલાં લેવા અનુરોધ કરાયો છે. આ અંગે વધુ માર્ગદર્શન માટે ખેડૂતો પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી અથવા મદદનીશ ખેતી નિયામક, પેટા વિભાગ, ખેરાલુનો સંપર્ક કરી શકે છે.