કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આવેલા ઝરપરા ગામમાં સરકારી યોજના હેઠળ બની રહેલા ચેકડેમના કામમાં મોટાપાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠતા તંત્ર દોડતું થઈ ગયું છે. અંદાજીત ૨ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા આ ચેકડેમની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે
કોંગ્રેસે ખોલી તંત્રની પોલ
મુન્દ્રા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સ્થાનિક આગેવાન વિરમ શાખરાએ આ ભ્રષ્ટાચારને જનતા સામે ઉજાગર કર્યો છે. તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ આક્ષેપ કર્યો છે કે, ચેકડેમના નિર્માણમાં વાપરવામાં આવતો માલસામાન અત્યંત હલકી ગુણવત્તાનો છે. સિમેન્ટ અને રેતીના મિશ્રણથી માંડીને પાયાના કામમાં નિયમોનું ઉલ્લંઘન કરીને માત્ર કાગળ પર જ મજબૂતી બતાવવામાં આવી રહી હોય તેવું ચિત્ર સામે આવ્યું છે.
જનતાના નાણાંનો વેડફાટ
૨ કરોડ જેવી મોટી રકમ જ્યારે ગ્રામીણ વિકાસ માટે ફાળવવામાં આવી હોય, ત્યારે કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓની મિલીભગતથી કામમાં લોટ-પાણીને લાકડા જેવી નીતિ અપનાવવામાં આવતી હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. વિરમ શાખરાએ જણાવ્યું કે, જો આટલી નબળી ગુણવત્તાનું કામ થશે, તો ચોમાસાના પ્રથમ વરસાદમાં જ આ ચેકડેમ ધોવાઈ જવાની ભીતિ છે, જેનાથી ખેડૂતોને ફાયદો થવાને બદલે નુકસાન વેઠવું પડશે.
કાર્યવાહીની માંગ
કોંગ્રેસ સમિતિએ આ મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. જવાબદાર એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કામને ફરીથી ચકાસણી હેઠળ લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં સંતોષકારક તપાસ નહીં થાય, તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચોઃ Ahmedabad ગ્રામ્ય કોર્ટમાં બોમ્બની ધમકીથી ખળભળાટ, ફાયર વિભાગની ગાડીઓ કોર્ટ પહોંચી