કચ્છના નાના રણ (Little Rann of Kutch), જે વિશ્વમાં એકમાત્ર ઘુડખર (Indian Wild Ass) પ્રજાતિનું ઘર છે, ત્યાં હાલમાં વન્યજીવનનો એક રોમાંચક અને ઉગ્ર દ્રશ્ય કેમેરામાં કેદ થયું છે. અહીં નર ઘુડખરો વચ્ચે પોતાના વિસ્તારમાં વર્ચસ્વ સ્થાપિત કરવા માટે લોહિયાળ લડાઈ જોવા મળી હતી. સામાન્ય રીતે શાંત ગણાતા રણમાં આ ઘુડખરો એટલી ઉગ્રતાથી લડ્યા હતા કે બંને એકબીજાને લોહીલુહાણ કરી નાખ્યા હતા.
પ્રજાતિનું મહત્ત્વ
પોતાના વર્ચસ્વની સાબિતી આપવા માટે, બંને ઘુડખરોએ એકબીજાને જોરદાર બચકાં ભર્યા હતા અને લાતો મારી હતી. આ લડાઈના દ્રશ્યો ત્યાં હાજર પ્રકૃતિપ્રેમીઓએ પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. ઘુડખર (સ્થાનિક ભાષામાં 'ખુર' તરીકે પણ ઓળખાય છે)ની આ પ્રજાતિ વિશ્વમાં અન્ય કોઈ સ્થળે જોવા મળતી નથી. તે માત્ર કચ્છના નાના રણના ખારા પાટ અને ઘાસના મેદાનોમાં જ જોવા મળે છે, જે આ વિસ્તારને વન્યજીવન સંરક્ષણની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ બનાવે છે. આ લડાઈ નર ઘુડખરો વચ્ચે પોતાનું વર્ચસ્વ અને સમૂહ પર નિયંત્રણ મેળવવા માટેની પ્રાકૃતિક પ્રક્રિયાનો એક ભાગ છે.
